ANAND NEWS: ગુજરાતના વહીવટી તંત્રમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મોટો વિસ્ફોટ થયો છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (અને ગુજરાત વહીવટી સેવા કેડરના વર્ગ-1ના સિનિયર સ્કેલના ફરજ મોકૂફ અધિકારી કેતકીબેન વ્યાસ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે. સત્તાના જોરે કાળી કમાણી કરનારા અધિકારીઓ સામેની ખાસ ઝુંબેશ અંતર્ગત ACB એ કેતકીબેન વ્યાસ વિરૂદ્ધ રૂ.3. 56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. 11 વર્ષના ગાળામાં પોતાની કાયદેસરની આવક કરતાં 68 .84% જેટલી અધધ બેનામી સંપત્તિ એકત્ર કરી પરિવારના નામે રોકાણ કરનાર આ મહિલા અધિકારી સામે અમદાવાદ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આક્ષેપિત અધિકારીની ઓળખ અને પ્રાથમિક તપાસ:
આ ખાસ ઝુંબેશ દરમિયાન એ.સી.બી.ને મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે ગુજરાત વહીવટી સેવા, વર્ગ- ના સિનિયર સ્કેલના અધિકારી અને આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ (જેઓ હાલમાં અન્ય વિવાદોને કારણે ફરજ મોકૂફી એટલે કે સસ્પેન્શન હેઠળ છે) નાઓ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતો વસાવ્યા અંગેની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર આક્ષેપોની ખરાઈ કરવા માટે એ.સી.બી. ફીલ્ડ-1, ગુજરાત રાજ્ય, અમદાવાદના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ નાઓને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી હતી. મહિલા લો-ઓફિસર દ્વારા કરાયેલી આ સંવેદનશીલ તપાસનું સીધું સુપરવિઝન એ.સી.બી.ના નાયબ નિયામક (વહીવટ) ભારતી પંડ્યા નાઓ દ્વારા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું.
11 વર્ષના ‘ચેક પિરિયડ’માં સંપત્તિનું મસમોટું સામ્રાજ્ય ખડકાયું
એ.સી.બી.ની આર્થિક ગુના નિવારણ શાખાની ઊંડાણપૂર્વકની તપાસમાં કેતકીબેન વ્યાસન કુલ 11 વર્ષના સેવા સમયગાળાને ‘ચેક પિરિયડ’ તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. આ 11 વર્ષ દરમિયાન મહિલા અધિકારીને સરકાર તરફથી મળેલા પગાર, ભથ્થાં અને અન્ય કાયદેસરની આવકોના તમામ દસ્તાવેજો તથા બેંક ખાતાઓ ખંખાડવામાં આવ્યા હતા. તેની સામે તેમના દ્વારા કરવામાં આવેલા બેનામી ખર્ચાઓ અને ખરીદાયેલી મિલકતોની સરખામણી કરવામાં આવતા ચોંકાવનારો ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો હતો.
બેનામી સંપત્તિ અને પરિવારના નામે રોકાણ
એ.સી.બી.ના સત્તાવાર રિપોર્ટ મુજબ, કેતકીબેન વ્યાસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી આ ગુપ્ત સંપત્તિ તેમની કાયદેસરની જાહેર કરાયેલી આવકના પ્રમાણમાં 68.84% જેટલી અધધ વધારે જોવા મળી છે. એક વર્ગ-1 ના જવાબદાર અધિકારી હોવા છતાં તેમણે ભ્રષ્ટાચારના કાળા નાણાંને સગેવગે કરવા માટે પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોના નામે અલગ-અલગ જગ્યાએ કિંમતી જમીનો, મકાનો, પ્લોટ્સ (સ્થાવર મિલકત) તેમજ લક્ઝુરિયસ વાહનો, સોના-ચાંદીના દાગીના અને ફિક્સ ડિપોઝિટો (જંગમ મિલકત) માં મોટાપાયે રોકાણ કરીને ગંભીર ગુનો આચર્યો હતો.
ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ કડક ગુનો દાખલ
આ ચકચારી પ્રાથમિક તપાસના અંતે મજબૂત પુરાવાઓ હાથ લાગતા, એ.સી.બી. દ્વારા તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર, આણંદ નાઓ વિરૂદ્ધ નીચે મુજબની કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, આ તમામ ગંભીર કલમો હેઠળ અમદાવાદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે વિધિવત રીતે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે.




