Gujarat Ni Vaat

અમદાવાદના વેજલપુરમાં PG માં રહેતા યુવકો વચ્ચે લોહીયાળ જંગ : કબાટના ઝઘડામાં એકની હત્યા, બેની ધરપકડ

Share On :

AHEDABAD NEWS : અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિએ માનવતાને શરમાવે તેવી એક લોહીયાળ ઘટના પ્રકાશમાં આવી છે. સાથે રહેતા અને એક જ પીજીમાં આશરો લેતા યુવકો વચ્ચે કબાટમાં સામાન મુકવા અને દરવાજો ખોલવા જેવી અત્યંત નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક આશાસ્પદ યુવક હિરેન સોલંકીની છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી છે. વેજલપુર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને દબોચી લીધા છે.

મિત્રતામાંથી દુશ્મનીનો પાયો

મળતી વિગતો અનુસાર, મૃતક હિરેન સોલંકી અને આરોપીઓ વેજલપુર વિસ્તારમાં આવેલા એક પીજીમાં સાથે રહેતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા થોડા દિવસોથી આ યુવકો વચ્ચે નાની-નાની બાબતોમાં ખટરાગ ચાલી રહ્યો હતો. ખાસ કરીને પીજીમાં કબાટમાં પોતાનો સામાન મુકવા બાબતે અને રાત્રે દરવાજો ખોલવા-બંધ કરવા જેવી બાબતોએ તકરારનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

થોડા દિવસ પહેલા થયેલા આ ઝઘડાની અદાવત આરોપીઓએ મનમાં રાખી હતી. ગતરોજ રાત્રે આ મામલો ફરી બિચક્યો હતો અને બોલાચાલી શરૂ થઈ હતી, જે અંતે લોહીયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી.

છરીના ઘા અને કરપીણ હત્યાનો ક્રમ

પોલીસના જણાવ્યા અનુસાર, ઝઘડા દરમિયાન આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરા સાથે તૈયાર હતા. આરોપી ણવીરસિંહે ગુનામાં મહત્વની ભૂમિકા ભજવતા તેના સાથીદાર મહાવીરસિંહ જાદવને તીક્ષ્ણ છરી આપી હતી. મહાવીરસિંહે કઈ પણ વિચાર્યા વગર હિરેન સોલંકી પર છરી વડે હુમલો કરી દીધો હતો.

આરોપીએ હિરેનના શરીરના મહત્વના ભાગો પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં હિરેન ત્યાં જ ઢળી પડ્યો હતો. હુમલા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકો અને પીજીના અન્ય સભ્યોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને 108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો.

સારવાર દરમિયાન મોત અને પરિવારમાં આક્રંદ

ઇજાગ્રસ્ત હિરેન સોલંકીને ગંભીર હાલતમાં તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તેને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ છરીના ઘા એટલા ઊંડા હતા કે અતિશય લોહી વહી જવાને કારણે હિરેન સોલંકીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. હિરેનના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સામાન્ય બાબતે તેના પુત્રની હત્યા થતા પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ મામલે એસીપી એ. બી. વાળંદે મીડિયાને વિગત આપતા જણાવ્યું કે:

“વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિરેન સોલંકી નામના યુવકની હત્યાનો બનાવ બન્યો છે. પ્રાથમિક તપાસમાં પીજીમાં કબાટમાં સામાન મુકવા અને દરવાજો ખોલવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું છે. આરોપી રણવીરસિંહે મહાવીરસિંહને છરી આપી હતી અને મહાવીરસિંહે ઘા મારી હત્યા નિપજાવી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ કાયદેસરની તપાસ ચાલુ છે.” માત્ર એક કબાટમાં સામાન મુકવા જેવી બાબતે કોઈની હત્યા કરી દેવી તે માનસિકતા ચિંતાજનક છે. ખાસ કરીને શહેરોમાં પીજી કે હોસ્ટેલમાં રહેતા યુવકોમાં નાની વાતોમાં વધતો ગુસ્સો અને હિંસા તરફ વળવાની વૃત્તિ સામે લાલબત્તી સમાન કિસ્સો છે.