Gujarat Ni Vaat

પડોશી મહિલાની સતર્કતાએ અપાવ્યો ન્યાય: 7 વર્ષની દીકરી પર જાતીય હુમલો કરનાર સાવકા પિતાને 7 વર્ષની જેલ

Share On :

AHEMDABAD NEWS: અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની પોક્સો વિશેષ અદાલતે એક ગંભીર કેસમાં 40 વર્ષીય સાવકા પિતાને સગીર દીકરી પર જાતીય હુમલો કરવાના ગુનામાં 7 વર્ષની કેદ અને ₹10,000 દંડની સજા ફટકારી છે. માનનીય જજ એ.બી. ભટ્ટે કુલ 12 સાહેદોની સાક્ષી અને 31 પુરાવાઓની વિગતવાર તપાસ બાદ આ ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ કે.જી. જૈનની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આ કડક સજા જાહેર કરી છે. આ કેસમાં 14 વર્ષ અને 4 મહિનાની સગીરાની દાદીએ ગયા વર્ષે ઓઢવ પોલીસ સ્ટેશનમાં BNS અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી સાવકા પિતાએ પીડિતાની માતા સાથે લગભગ 14 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, ત્યારે સગીરા માત્ર એક વર્ષની હતી.

લગ્ન બાદ પરિવારમાં વધુ બે સંતાનો થયા હતા, પોલીસ રેકોર્ડ અનુસાર, ફરિયાદ નોંધાવાના લગભગ બે વર્ષ પહેલાં પીડિતાની માતાનું અવસાન થયું હતું. ત્યારબાદ પીડિતા તેની સાવકી બહેન સાથે અભ્યાસ માટે સિદ્ધપુર રહેતી હતી. વેકેશન દરમિયાન તે પોતાના સાવકા પિતા અને દાદીના ઘરે આવતી હતી.ઘટનાના દિવસે દાદી બહાર ગયા હતા ત્યારે પીડિતા ઘરે એકલી હતી. તે સમયે આરોપીએ તેને રૂમમાં બોલાવી દરવાજો બંધ કરીને વારંવાર જાતીય હેરાનગતિ કરી હોવાનું ખુલ્યું છે. અગાઉ પણ તહેવારો અને વેકેશન દરમિયાન આવી ઘટનાઓ બનતી રહી હોવાનું પીડિતાએ નિવેદનમાં જણાવ્યું હતું.

પીડિતાએ અંતે હિંમત કરીને પડોશી મહિલાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. પડોશીએ તરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજી પીડિતાને આરોપીના સંપર્કમાં મોકલી અને મોબાઈલમાં હેરાનગતિનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો કેસમાં સૌથી મહત્વનો પુરાવો સાબિત થયો હતો અને તેની આધારે પોલીસ તપાસ આગળ વધી હતી. આરોપી શરાબ પીવાની આદત ધરાવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઘટના બાદ પીડિતાની દાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો કાયદા સુધી પહોંચ્યો હતો.

કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને માનસિક યાતના બદલ ₹50,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કુલ મળીને, આ ચુકાદો પોક્સો કાયદા હેઠળ નાબાલિકોની સુરક્ષા અને ન્યાય પ્રણાલીની અસરકારકતા દર્શાવે છે અને સમાજમાં કડક સંદેશ આપે છે કે આવા ગુનાઓ માટે કોઈ રાહત આપવામાં નહીં આવે.