Gujarat Ni Vaat

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આતંક મચાવતી રામદેવ ડાંગર ગેંગના સાગરીતો પર કાયદાનો ગાળિયો કસાયો

Share On :

RAJKOT NEWS: રાજકોટ શહેરમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીગ્રામ વિસ્તારમાં આતંક મચાવતી રામદેવ ડાંગર ગેંગના પાંચ સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિસ્ટ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ શહેર પોલીસ દ્વારા ગેંગ પર કડક શિકંજો કસાયો છે. પોલીસ તપાસ અનુસાર, રામદેવ ડાંગર ગેંગ છેલ્લા ઘણા વર્ષોથી ખૂન, ખૂનની કોશિશ, ખંડણી વસૂલાત અને અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. આ ગેંગ વિરુદ્ધ 2016થી 2025 દરમિયાન કુલ 24 ગંભીર ગુનાઓ નોંધાયા છે, જ્યારે કુલ 52થી વધુ કેસોમાં તેમનો ઇતિહાસ સામે આવ્યો છે.

આ તમામ ગુનાઓને ધ્યાનમાં રાખીને GCTOC જેવી કડક કાયદાકીય જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તાજેતરની કાર્યવાહીમાં ગેંગના 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો રચી તીવ્ર શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે ગેંગના નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી પાડવા માટે સતત દબાણ અને ટેકનિકલ સર્વેલન્સ જરૂરી છે. રાજકોટ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ગેંગની ગેરકાયદે સંપત્તિ અને આર્થિક સ્રોતોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્રિત કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ મિલકતોને ટાંચમાં લેવા માટેની પ્રક્રિયા પણ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, GCTOC હેઠળની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર આરોપીઓને પકડવાનો નથી, પરંતુ સંગઠિત ગુનાખોરીના મૂળને જડથી નાબૂદ કરવાનો છે. આ ગેંગ શહેરના કેટલાક વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઉભું કરીને ખંડણી અને દબાણની પ્રવૃત્તિઓ ચલાવતી હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા દબાણની જાણ તરત જ પોલીસને કરવામાં આવે જેથી સમયસર કાર્યવાહી શક્ય બને.

ફરાર આરોપીઓની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને ટેકનિકલ સેલની અલગ-અલગ ટીમો સતત કામ કરી રહી છે. પોલીસને આશા છે કે આગામી દિવસોમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને ગેંગનું સંપૂર્ણ નેટવર્ક ખતમ કરવામાં સફળતા મળી હતી. રાજકોટ પોલીસની આ કડક કાર્યવાહી શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે અને GCTOC હેઠળ લેવામાં આવેલી આ કાર્યવાહીથી ગુનાખોર તત્વોમાં કડક સંદેશ ગયો છે.