RAJKOT NEWS: રાજકોટના પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ મથક સામે આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં વ્યાજખોરી અને ધમકીના મામલે ગંભીર ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત સફાઈ કામદાર મોહનભાઈ વાઘેલા (ઉ.વ. 67)એ વ્યાજખોરીના દબાણથી કંટાળીને ઘઉંમાં નાખવાના પાવડરની પડીકી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, મોહનભાઈની પત્નીએ ચાર વર્ષ પહેલાં પાડોશમાં રહેતી દીનાબેન ખીમસુરીયા પાસેથી લગ્ન પ્રસંગ માટે રૂ. 1.20 લાખ વ્યાજે લીધા હતા અને બદલામાં બે કોરા ચેક આપ્યા હતા.
શરૂઆતમાં 10 ટકા વ્યાજના આધારે દર મહિને રૂ. 12,500 ચુકવવામાં આવતા હતા. છ મહિના સુધી નિયમિત વ્યાજ ચૂકવાયું હતું, પરંતુ બાદમાં દીનાબેને વ્યાજ દર વધારી 20 ટકા કરી દીધો હતો, જેના કારણે દર મહિને રૂ. 22,000 સુધીની રકમ ચૂકવવી પડી હતી. લાંબા સમય સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પરિવારની બીમારી અને આર્થિક તંગીના કારણે ચુકવણી બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન દીનાબેને મોહનભાઈની પત્નીના નામે રૂ. 1 લાખની લોન કરાવી પોતાની પાસે રકમ રાખી લીધી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ પેન્શનમાંથી રૂ. 75,000ની ચુકવણી પણ લેવામાં આવી હતી.
વસુલાત બંધ થતાં આરોપીએ વકીલ મારફતે નોટિસ મોકલી અને સાથે જ મોહનભાઈના પુત્રને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. સતત દબાણ અને ધમકીઓથી કંટાળીને મોહનભાઈએ અંતે આ પગલું ભર્યું હતું. બી-ડિવીઝન પોલીસે દીનાબેન ખીમસુરીયા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.




