Gujarat Ni Vaat

નરોડાના ‘વાયરલ રાયતા’ પર પોલીસે રેડ્યું પાણી: રસ્તા પર આળોટતી મહિલા નશામાં નહીં, માનસિક બીમારીનો ભોગ

Share On :

AHEDABAD NEWS : સોશિયલ મીડિયાના યુગમાં ઘણીવાર સત્ય ઘટના અને અફવાઓ વચ્ચેની રેખા ખૂબ જ પાતળી થઈ જાય છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બનેલી એક તાજેતરની ઘટના આ વાતની સાક્ષી પૂરે છે. નરોડામાં રસ્તા પર અસામાન્ય વર્તન કરતી એક મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરેલી તપાસમાં જે વિગતો સામે આવી છે, તે સમાજ માટે આંખ ઉઘાડનારી છે. ગઈકાલે નરોડાના ભવાની ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં એક મહિલા રસ્તાની વચ્ચે અસ્થિર હાલતમાં આળોટતી અને અજીબોગરીબ હરકતો કરતી જોવા મળી હતી.

આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ટૂંક સમયમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર ‘નરોડામાં નશાખોરીનો આતંક’ અથવા ‘નશામાં ધૂત મહિલા’ જેવા કેપ્શન સાથે વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અનેક નેટિઝન્સે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નશાબંધીના અમલીકરણ સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકો એવી ધારણા બાંધીને બેઠા હતા કે આ મહિલા કોઈ કેફી દ્રવ્ય અથવા નશાના પ્રભાવ હેઠળ છે. આ પ્રકારની નકારાત્મક ચર્ચાઓને કારણે નરોડા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા.

મામલાની ગંભીરતાને જોતા અમદાવાદ શહેરના જી-ડિવિઝન એસીપી વી.એન. યાદવ અને નરોડા પોલીસની ટીમે તાત્કાલિક તે મહિલાની શોધખોળ આદરી હતી. પોલીસ ટીમે મહિલાને સુરક્ષિત રીતે અટકમાં લીધી અને તેની પ્રાથમિક તપાસ કરાવી. તબીબી તપાસ અને મહિલા સાથેની વાતચીત દરમિયાન ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. એસીપી વી.એન. યાદવે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “પ્રાથમિક દ્રષ્ટિએ આ નશાનો કેસ લાગતો હતો, પરંતુ ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ મહિલા ગંભીર માનસિક બીમારીથી પીડાઈ રહી છે.

તે કોઈ નશામાં નહોતી, પરંતુ તેની માનસિક સ્થિતિ અસ્થિર હોવાને કારણે તે આ પ્રકારનું વર્તન કરી રહી હતી.” પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે, આ મહિલાનું આ દુનિયામાં કોઈ નથી. તેના માતા-પિતા કે અન્ય કોઈ સંબંધીઓનો પતો લાગ્યો નથી. કોઈ સહારો ન હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર રઝળતી હાલતમાં હતી. ભૂખ, તરસ અને માનસિક બિમારીના કારણે તેની હાલત વધુ કથળી હતી, જેને લોકોએ ‘નશો’ સમજી લીધો હતો. નરોડા પોલીસે આ કિસ્સામાં માત્ર કાયદાનું પાલન જ નહીં, પણ માનવતાનો પણ પરિચય આપ્યો છે.