Gujarat Ni Vaat

લાલચ બૂરી બલા હૈં…: અમદાવાદના યુ.એન. મહેતા હોસ્પિટલના ડૉક્ટર સાથે ₹70 હજારની ઠગાઈ

Share On :

AHEDABAD NEWS : અમદાવાદ શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક વધી રહ્યો છે, જેમાં હવે ઉચ્ચ શિક્ષિત વર્ગ પણ શિકાર બની રહ્યો છે. તાજેતરમાં અમદાવાદની પ્રતિષ્ઠિત યુ.એન. મહેતા હોસ્પિટલના કાર્ડિયાક એનેસ્થેસિયા વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. અનિલ પંવાર સાથે ₹70 હજારની ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર ડૉક્ટર છેલ્લા છ મહિનાથી શેરબજારમાં રોકાણ માટે એક ટેલિગ્રામ ચેનલને ફોલો કરતા હતા.

ગત 27 એપ્રિલના રોજ તેમને ‘Berlin’ નામના ટેલિગ્રામ આઈડી પરથી મેસેજ મળ્યો હતો, જેમાં ‘Trade Like Berlin’ ગ્રુપ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં નાણાં બમણા કરી આપવાની લાલચ આપવામાં આવી હતી. ઠગબાજોની વાતોમાં આવી જઈ ડૉક્ટરે અલગ-અલગ બે UPI આઈડી દ્વારા કુલ ₹70,000 ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ, આરોપીઓએ વિશ્વાસ જીતવા માટે ડૉક્ટરને એક નકલી ઇન્વોઇસ મોકલ્યું હતું, જેમાં તેમનો નફો ₹3 લાખ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

જોકે, જ્યારે ડૉક્ટરે આ નફો ઉપાડવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે આરોપીઓએ GST પેટે વધારાના ₹50,000ની માંગણી કરી હતી. આ માંગણીથી શંકા જતા ડૉક્ટરે તુરંત મિત્રોની સલાહ લીધી અને પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતા સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શાહીબાગ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને સાયબર ક્રાઈમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા ટ્રાન્ઝેક્શન થયેલા UPI આઈડીની વિગતો અને ટેલિગ્રામ એકાઉન્ટના લોકેશન મેળવી આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.