AHEDABAD NEWS : અમદાવાદ શહેરને પ્રદૂષણમુક્ત બનાવવા અને વધતા જતા ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં એક વિશેષ પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વાહન શેરિંગ અને જાહેર પરિવહન સેવાઓના ઉપયોગ અંગે કડક સૂચનાઓ અમલી બનાવી છે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય પેટ્રોલ અને ડીઝલ જેવા મૂલ્યવાન રાષ્ટ્રીય સંસાધનોનો બચાવ કરવાનો છે. કમિશનરએ સ્પષ્ટ કર્યું છે કે, બિનજરૂરી રીતે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ કરવાથી માત્ર આર્થિક નુકસાન જ નથી થતું, પરંતુ તેનાથી પર્યાવરણ પર પણ વિપરીત અસર પડે છે.
“મિશન ક્લીન એર” ના ભાગરૂપે, AMC હવે પોતાના જ સ્ટાફથી આ સુધારાની શરૂઆત કરી રહી છે. પરિપત્ર અનુસાર, જે કર્મચારીઓ એક જ ઓફિસ કમ્પાઉન્ડમાં અથવા નજીકની કચેરીઓમાં ફરજ બજાવે છે અને જેમના નિવાસસ્થાન એક જ વિસ્તારમાં અથવા એક જ રૂટ પર આવેલા છે, તેમણે હવેથી ફરજિયાતપણે વાહન શેર કરવાનું રહેશે. કર્મચારીઓએ એકલદોકલ વાહન લાવવાને બદલે સાથી કર્મચારીઓ સાથે મળીને ઓફિસે આવવા-જવા માટેનું આયોજન કરવાનું રહેશે.
એન્જિનિયરિંગ, હેલ્થ, એસ્ટેટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિભાગોના અધિકારીઓએ ફિલ્ડમાં કામગીરી દરમિયાન પણ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળવો પડશે. જો એક જ પ્રોજેક્ટ કે વિસ્તારની મુલાકાત લેવાની હોય, તો તમામ અધિકારીઓએ સંયુક્ત રીતે એક જ વાહનનો ઉપયોગ કરી ઇંધણનો ન્યૂનતમ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. અમદાવાદમાં હાલ 1350 બસોનું વિશાળ નેટવર્ક કાર્યરત છે અને આગામી સમયમાં નવી 1405 બસો ઉમેરવાનું આયોજન છે.
આ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. હવેથી કર્મચારીઓએ અઠવાડિયાના અમુક દિવસોએ અથવા શક્ય હોય ત્યાં સુધી AMTS, BRTS કે મેટ્રો ટ્રેન દ્વારા જ મુસાફરી કરવાની રહેશે. સરકારી તંત્રના હજારો કર્મચારીઓ જાહેર પરિવહન અને શેરિંગ પદ્ધતિ અપનાવશે, તો શહેરના સામાન્ય નાગરિકોમાં પણ એક સકારાત્મક સંદેશ જશે. આનાથી રસ્તાઓ પર ખાનગી વાહનોનું ભારણ ઘટશે, ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.




