AHEDABAD NEWS : અમદાવાદ શહેરના સુરક્ષા દાવાઓ વચ્ચે તસ્કરોએ એક એવી ઘટનાને અંજામ આપ્યો છે જેનાથી પોલીસ તંત્ર અને સ્થાનિક રહીશો સ્તબ્ધ છે. શહેરના સૌથી ધમધમતા અને પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં, તે પણ માનસી સર્કલ જેવા હાઈ-પ્રોફાઈલ લોકેશન પાસે આવેલા કોર્ણાક ટાવરના પાર્કિંગમાંથી એક લક્ઝરી કારની ચોરી થઈ છે. જાણીતા બિલ્ડર અને વેપારી પ્રશાંત નાયરની આ કારની ચોરી થતા હવે સવાલ એ ઉભો થયો છે કે જો લક્ઝરી કારો પણ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાની મિલકતનું શું?
ઘટના શું હતી
આ કિસ્સો વસ્ત્રાપુરના માનસી ચાર રસ્તા પાસે આવેલા જાણીતા કોર્ણાક ટાવરનો છે. અહીં એસ.આર. ગ્રુપના નામે રિયલ એસ્ટેટનો મોટો વ્યવસાય ધરાવતા પ્રશાંતભાઈ નાયર રહે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ પોતાના કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા, તેમના વિશ્વાસુ ડ્રાઈવર કૃણાલ લેઉવાએ બ્રાઉન કલરની મર્સિડીઝ બેન્ઝ (રજીસ્ટ્રેશન નંબર PY.01.CJ.8314) કોર્ણાક ટાવરના નિર્ધારિત જાહેર પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે લોક કરીને પાર્ક કરી હતી.

રવિવારની રજા બાદ સોમવારે સવારે જ્યારે પ્રશાંતભાઈને કોઈ કામ અર્થે બહાર જવાનું હોવાથી ડ્રાઈવરે ગાડી લેવા માટે પાર્કિંગમાં તપાસ કરી, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે જગ્યાએ શનિવારે રાત્રે મર્સિડીઝ પાર્ક કરી હતી, ત્યાં હવે માત્ર ખાલી જગ્યા હતી. શરૂઆતમાં એવું લાગ્યું કે કદાચ ગાડી અન્ય કોઈ જગ્યાએ પાર્ક થઈ હશે અથવા ટોઈંગ કરવામાં આવી હશે, પરંતુ સોસાયટીમાં અને આસપાસ તપાસ કરતા સ્પષ્ટ થઈ ગયું કે લક્ઝરી કારની ઉઠાંતરી કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ અને તપાસનો ધમધમાટ
ગાડી ન મળતા આખરે મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પ્રશાંતભાઈ નાયરે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આ ગાડી 2010નું મોડલ છે અને તેની વર્તમાન કિંમત અંદાજે 9 લાખ રૂપિયા છે. આ કાર મૂળભૂત રીતે તેમના પિતાના મિત્ર ચેલન અબ્દુલ અઝીઝના નામે નોંધાયેલી છે, પરંતુ તેનો વપરાશ પ્રશાંતભાઈ પોતે જ કરતા હતા. ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે તુરંત જ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે નીચે મુજબની તપાસ હાથ ધરવામાં આવી છે .
અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ માટે આ કેસ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. એક તરફ તસ્કરો આધુનિક બની રહ્યા છે, ત્યારે બીજી તરફ પોલીસ પણ સાયબર ક્રાઈમ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોરો સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. શું તસ્કરો મર્સિડીઝ લઈને અમદાવાદની બહાર નીકળી ગયા છે? કે પછી તે શહેરના જ કોઈ અવાવરુ ગોડાઉનમાં છુપાવેલી છે? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.




