AHEMDABAD NEWS: અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. 295 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું અદ્યતન ‘સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર’ સ્થાપિત થવાનું છે. આ સંકુલ સ્પાઇન રોગોની સારવાર, રમતગમત સંબંધિત ઇજાઓના નિદાન અને રિહેબિલિટેશન માટે આંતરરાષ્ટ્રીય ધોરણોની સુવિધાઓથી સજ્જ રહેશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલું લઈ રહ્યું છે. આ પ્રોજેક્ટની આયોજન અને પ્રગતિની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પીઆઈયુના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પ્રોજેક્ટની સમયમર્યાદા, ગુણવત્તા અને ઝડપી અમલ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધા નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ હેઠળ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતને વૈશ્વિક સ્તરના આરોગ્ય અને રમતગમત માળખા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાની સારવાર અને પુનર્વસન સુવિધાઓ રાજ્યમાં જ ઉપલબ્ધ થાય તે માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સંકુલમાં ત્રણ મુખ્ય વિભાગો રહેશે, સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને વર્લ્ડ ક્લાસ રિહેબિલિટેશન સેન્ટર.
સ્પાઇન ઇન્સ્ટિટ્યુટમાં જટિલ સર્જરી અને આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ રહેશે. સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર ખાસ કરીને ખેલાડીઓની ઈજાઓના નિદાન અને સારવાર માટે કાર્ય કરશે, જ્યારે રિહેબિલિટેશન સેન્ટર દર્દીઓ અને ખેલાડીઓને ઝડપી સ્વસ્થ થવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત આ કેન્દ્રમાં અદ્યતન શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે, જેના દ્વારા સુપર-સ્પેશિયાલિસ્ટ માનવબળ તૈયાર થઈ શકે. સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું સંશોધન શક્ય બને તે માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે.

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં સ્પાઇન સર્જરી ક્ષેત્રે એકપણ ઇન્ફેક્શન કેસ નોંધાયો નથી, જે રાજ્યની આરોગ્ય વ્યવસ્થાની ગુણવત્તાનો દાખલો આપે છે. પ્રસ્તાવિત સંકુલ આ સિદ્ધિને વધુ મજબૂત બનાવશે અને ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન તથા સ્પાઇન કેરનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા તરફ આગળ વધારશે. આ બેઠકમાં અધિકારીઓને પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા અને ઉચ્ચ ગુણવત્તા જાળવવા ખાસ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંકુલ માત્ર સારવાર કેન્દ્ર નહીં પરંતુ શિક્ષણ, સંશોધન અને રમતગમત ચિકિત્સાનું આંતરરાષ્ટ્રીય હબ બનશે. કુલ મળીને, અમદાવાદ મેડિસિટી ખાતે બનતું આ અદ્યતન ‘સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર’ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે અને ભવિષ્યમાં રાજ્યને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.




