entertainment news : પોન્નિયિન સેલ્વન’ જેવી સુપરહિટ ફિલ્મોના જાણીતા તમિલ અભિનેતા જયમ રવિ (રવિ મોહન) હાલમાં પોતાના પારિવારિક વિવાદને કારણે ભારે ચર્ચામાં છે. શનિવારના રોજ યોજાયેલી એક ભાવુક પ્રેસ કોન્ફરન્સમાં અભિનેતા મીડિયા સમક્ષ રડી પડ્યા હતા અને પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમના પત્ની આરતી સાથેના છૂટાછેડાનો સત્તાવાર નિર્ણય નહીં આવે, ત્યાં સુધી તેઓ ફિલ્મોમાં કામ નહીં કરે.
વર્ષ 2009માં લગ્નગ્રંથિથી જોડાયેલા રવિ અને આરતીના લગ્નજીવનમાં 15 વર્ષ બાદ કડવાશ આવી છે. સોશિયલ મીડિયા પર અલગ થવાની જાહેરાત કર્યા બાદ રવિ મોહને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “મેં ઈન્ડસ્ટ્રીમાં 23 વર્ષ સુધી દિવસ-રાત કામ કર્યું છે અને મારી 90% ફિલ્મો સફળ રહી છે. બાળપણથી જ હું મારા પરિવાર અને ભાઈ-પિતા માટે કમાઉં છું. પરંતુ આજે હું પોતે ભાડાના મકાનમાં રહેવા મજબૂર થયો છું.”
તેમણે પત્ની પર ગંભીર આરોપ લગાવતા ઉમેર્યું કે, “હું મારા બાળકો માટે જ જીવ્યો છું. તેમની સ્કૂલની ફી ભરવા છતાં મને મારા બાળકોને મળવા કે જોવા દેવામાં આવતા નથી. એક પિતા તરીકે આ અસહ્ય છે.” છેલ્લા કેટલાક સમયથી સિંગર કેનિશા ફ્રાન્સિસ સાથે જોડાઈ રહેલા નામ અને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ અંગે સ્પષ્ટતા કરતા અભિનેતાએ જણાવ્યું કે, “કેનિશાએ માત્ર મને મુશ્કેલ સમયમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેને પણ આ વિવાદમાં ખેંચી લીધી છે.”




