CRICKET NEWS : ભારતીય ક્રિકેટના બે ઉભરતા સિતારાઓ, ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ અને મહિલા ક્રિકેટર શેફાલી વર્મા અત્યારે મુશ્કેલીમાં મુકાયા હોય તેમ જણાય છે. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીએ એન્ટી-ડોપિંગ નિયમોના ભંગ બદલ આ બંને ખેલાડીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ સમાચાર સામે આવતા જ ભારતીય ક્રિકેટ વર્તુળોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ગરમાયો છે.
શું છે ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’?
NADAના નિયમો અનુસાર, જે ખેલાડીઓ ‘રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ’માં સામેલ હોય છે, તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવાની રહે છે કે તેઓ કયા સમયે અને કયા સ્થળે ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. આને ‘વેરઅબાઉટ્સ’ નિયમ કહેવામાં આવે છે. યશસ્વી જાયસ્વાલ અને શેફાલી વર્મા બંનેએ આ નિયમ હેઠળ પોતાની વિગતો આપી હતી, પરંતુ જ્યારે ડોપિંગ કંટ્રોલ ઓફિસર નિર્ધારિત સ્થળ પર તપાસ માટે પહોંચ્યા ત્યારે બંને ખેલાડીઓ ત્યાં ગેરહાજર જણાતા હતા.
ઘટનાક્રમ અને એજન્સીની કાર્યવાહી
પ્રાપ્ત અહેવાલો અનુસાર, શેફાલી વર્માનો ડોપ ટેસ્ટ ગત 7 નવેમ્બરના રોજ નિર્ધારિત હતો, જ્યારે યશસ્વી જાયસ્વાલનો ટેસ્ટ 17 ડિસેમ્બરના રોજ લેવાનો હતો. બંને કિસ્સામાં ખેલાડીઓ સ્થળ પર હાજર ન મળતા NADA દ્વારા ફેબ્રુઆરીમાં તેમને સ્પષ્ટીકરણ માટે નોટિસ મોકલવામાં આવી હતી. જોકે, ખેલાડીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા, એજન્સીએ તેમના નામે પ્રથમ ‘મિસ્ડ ટેસ્ટ’ (Missed Test) તરીકે સત્તાવાર નોંધ કરી છે.
કાર્યવાહી અને સંભવિત પ્રતિબંબ
એન્ટી-ડોપિંગ નિયમો મુજબ, જો કોઈ ખેલાડી 12 મહિનાના સમયગાળામાં ત્રણ વખત ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’ નો દોષિત સાબિત થાય, તો તેને ગંભીર ઉલ્લંઘન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો ખેલાડી પોતે નિર્દોષ હોવાનું સાબિત ન કરી શકે, તો તેના પર બે વર્ષ સુધીનો રમતગમત પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. હાલમાં યશસ્વી અને શેફાલી બંને પાસે પોતાનો પક્ષ રજૂ કરવાની છેલ્લી તક છે.
ખેલાડીઓની વર્તમાન સ્થિતિ
યશસ્વી જાયસ્વાલ હાલમાં IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે, જ્યારે શેફાલી વર્માએ તાજેતરમાં જ ભારતની મહિલા ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ આ મામલે ખેલાડીઓ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જો આ વિવાદ વધુ વકરશે તો ભારતીય ટીમને આગામી મહત્વની ટુર્નામેન્ટ્સમાં મોટા ફટકા પડી શકે છે.




