CRICKET NEWS : IPL 2026 માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના અત્યંત કથળેલા પ્રદર્શન અને પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ, હવે ટીમમાં મોટા ફેરફારોની માંગ ઉઠી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકરે મુંબઈ ઈન્ડિયન્સના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવતા હાર્દિક પંડ્યાના સ્થાને જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાની હિમાયત કરી છે. માંજરેકરે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં ત્યારે જ સફળ રહ્યો હતો જ્યારે તેની સાથે આશિષ નેહરા જેવા સક્રિય કોચ હતા. તેમણે આ જોડીને એક ‘પેકેજ ડીલ’ ગણાવી હતી અને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને લાવતી વખતે આશિષ નેહરાને પણ સાથે લાવવા જોઈતા હતા.

નેહરા વગર હાર્દિકની કેપ્ટનસીમાં એ જાદુ જોવા મળ્યો નથી, માંજરેકરના મતે, જસપ્રીત બુમરાહ રમતની સમજ અને બેટરની માનસિકતા વાંચવામાં માહેર છે. તેણે હાર્દિકના સ્થાને બુમરાહને મુંબઈના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની સલાહ આપી છે, કારણ કે તે મેદાન પર ગંભીરતા અને રમત પ્રત્યેની ઊંડી સમજ ધરાવે છે. પૂર્વ ક્રિકેટરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય કદાચ ક્રિકેટિંગ વ્યૂહરચના કરતા ‘કોમર્શિયલ બ્રાન્ડિંગ’ માટે વધુ લેવાયો હોઈ શકે છે, જે આ સિઝનમાં ટીમ માટે ઘાતક સાબિત થયો છે.
નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ રવિવારે રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની હાર સાથે જ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં મુંબઈ માત્ર ૩ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ નિવેદન બાદ હવે આગામી સિઝન (IPL 2027) માટે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ દ્વારા કોઈ મોટો નિર્ણય લેવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.




