CRICKET NEWS : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026ની એક હાઈ-વોલ્ટેજ મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. સતત પાંચમી જીત નોંધાવીને ગુજરાતની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગઈ છે. આ મુકાબલામાં ગુજરાતે હૈદરાબાદને 82 રને પરાજય આપીને IPL ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે. સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરની શાનદાર બેટિંગ બાદ કગિસો રબાડા અને જેસન હોલ્ડરની ઘાતક બોલિંગે હૈદરાબાદની ટીમને માત્ર 86 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત નબળી રહી હતી.
જોકે, સાઈ સુદર્શને (44 બોલમાં 61 રન) અને વોશિંગ્ટન સુંદરે (33 બોલમાં 50 રન) બાજી સંભાળી હતી. બંને વચ્ચેની 60 રનની મહત્વપૂર્ણ ભાગીદારીને પ્રતાપે ગુજરાતે 5 વિકેટે 168 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ ગુજરાતના બોલરો સામે લાચાર જોવા મળી હતી. કગિસો રબાડા અને જેસન હોલ્ડરે 3-3 વિકેટ ઝડપીને હૈદરાબાદની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી.
હૈદરાબાદની આખી ટીમ માત્ર 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ગુજરાત ટાઇટન્સની રનની દ્રષ્ટિએ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે, જ્યારે હૈદરાબાદ માટે આ રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર સાબિત થઈ છે. સતત પાંચમી જીત સાથે ગુજરાત હવે પ્લેઓફની રેસમાં સૌથી મજબૂત સ્થિતિમાં છે. હૈદરાબાદ 12 મેચમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને યથાવત છે.ગુજરાત ટાઇટન્સના આ ઓલરાઉન્ડ પ્રદર્શને ઘરઆંગણે રમી રહેલા હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આગામી મેચોમાં પણ ટીમ આ લય જાળવી રાખવા માટે આશાવાદી છે.




