Gujarat Ni Vaat

સુરેન્દ્રનગરના સાયલાના મોટા કેરાળામાં ગેરકાયદે ધમધમતી ખાણ પર ત્રાટકી ખાણ-ખનિજ ટીમ, ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

Share On :

SURENDRANAGAR NEWS: સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને સાયલા સહિતના પંથકોમાં લાંબા સમયથી ગેરકાયદે ખનન માફિયાઓ સક્રિય હોવાની બૂમો ઉઠી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગર એલ.સી.બી.-સાયલા પોલીસની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ચાલી રહેલી એક વિશાળ ગેરકાયદે પથ્થરની ખાણ પર આકસ્મિક દરોડા પાડ્યા છે. પોલીસની આ અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીપૂર્ણ કાર્યવાહીમાં ખોદકામમાં વપરાતા 6 હિટાચી મશીનો અને ખનીજ વહન કરતા 4 ડમ્પરો સહિત અંદાજે ₹4.25 કરોડનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી સત્તાવાર માહિતી અનુસાર, સાયલા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા કેરાળા ગામની સરકારી કે ગૌચરની સીમમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે લીઝ વિના મોટા પાયે પથ્થરનું ગેરકાયદેસર ખોદકામ અને વહન ચાલી રહ્યું છે. આ ચોંકાવનારી વિગતોના આધારે સાયલા પોલીસના કાફલાએ ઓચિંતો છાપો માર્યો હતો. રેડ દરમિયાન ઘટનાસ્થળેથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ખોદકામ કરતા ૬ અત્યાધુનિક હિટાચી મશીનો અને પથ્થરો ભરવા માટે લાઈનમાં ઉભેલા ૪ મોટા ડમ્પરોને તુરંત જ પોતાના કબજામાં લીધા હતા.

ખાણ-ખનીજ વિભાગ એક્શનમાં – કરોડોનો દંડ ફટકારાશે

પોલીસ દ્વારા આ કરોડોની કિંમતના વાહનો અને મશીનરી સીઝ કરી આગળની કાયદેસરની તપાસ અને માપણીની કાર્યવાહી માટે સ્થાનિક ખાણ-ખનીજ વિભાગની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. સરકારી ધારાધોરણો મુજબ, ખાણ-ખનીજ વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે કેટલા ચોરસ મીટર પથ્થરનું ખોદકામ કરવામાં આવ્યું છે તેની ચોક્કસ માપણી કરવામાં આવી છે, ખનન માફિયાઓ સામે કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી અને દંડાત્મક આકરી કાર્યવાહી તોળાશે.

પોલીસની આગળની દિશા

સુરેન્દ્રનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ આ કેસમાં કાયદેસરની ડાયરી નોંધીને પકડાયેલા વાહનોના માલિકો અને ડ્રાઈવરોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વાહનોની આર.ટી.ઓ. ડિટેલ્સ કઢાવીને આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરાયા છે. આ કેસમાં સંડોવાયેલા તમામ કસૂરવારો સામે ટૂંક સમયમાં જ સખત કાનૂની પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.