Gujarat Ni Vaat

લખનઉના કોચિંગ ક્લાસમાં આગ ભભૂકી ઉઠતા 15 માસૂમ વિદ્યાર્થીઓ ભૂંજાઈ ગયા, ચારેતરફ ગુંજી ઉઠી ચીચીયારીઓ

Share On :

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અલીગંજના પુરનિયા ચોરાહા પાસે આવેલી એક બહુમાળી ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના 20 થી 24 વર્ષની વયના નિર્દોષ યુવાનો સામેલ છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઈમારતના ગેમિંગ ઝોનમાં અચાનક ફાટી નીકળી આગ

પ્રાથમિક અહેવાલોમાં આ અકસ્માત કોચિંગ સેન્ટર અથવા લાઈબ્રેરીમાં થયો હોવાની આશંકા સેવાતી હતી, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શોપ (પ્રાણીઓની દુકાન) આવેલી છે, જ્યારે ઉપરના માળે એક ડિજિટલ ગેમિંગ ઝોન કાર્યરત હતો. ઘટના સમયે ગેમિંગ ઝોનમાં કર્મચારીઓ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ આ ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બિલ્ડિંગમાં હાજર લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. જીવ બચાવવા માટે અનેક લોકોએ ઈમારતના ઉપરના માળેથી નીચે છલાંગ લગાવી હતી.

14 ફાયર ટેન્ડરોની મદદથી ભારે જહેમતે આગ પર કાબૂ

ઘટનાની ગંભીરતાને જોતાં જ ફાયર બ્રિગેડની ૧૪ ગાડીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોના લાંબા સમયના ભારે પરિશ્રમ અને જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હાલ ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખની અભિવ્યક્તિ કરી આર્થિક સહાયની જાહેરાત

આ ભયાનક અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને પોતાનું ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે આંતરિક સંવેદના વ્યક્ત કરતાં લખ્યું કે, “લખનઉમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી હું અત્યંત દુઃખી છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો વહેલી તકે સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના છે.”

આ સાથે જ વડાપ્રધાને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહતની જાહેરાત કરી છે, જે અંતર્ગત પ્રત્યેક મૃતકના વારસદારોને 2 લાખ રૂપિયા અને તમામ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા ની આર્થિક સહાય આપવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા આ ઈમારતમાં ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.