Gujarat Ni Vaat

“અમારી લડાઈ વિજપોલ મામલે ભાજપ સામે છે, પણ કોંગ્રેસ વચ્ચે પગ ખેંચે છે”: AAP નેતા પંકજ રાણસરિયા

Share On :

GUJRAT NEWS: આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ અને પંકજ રાણસરિયાએ આજે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિજપોલ અને ખેડૂતોના મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને કોંગ્રેસ દ્વારા ‘આપ’ પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢતા આમ આદમી પાર્ટીએ નક્કર પુરાવાઓ સાથે કોંગ્રેસના નેતાઓની બેધારી નીતિ અને આંદોલન તોડવાના કાવતરાને મીડિયા સમક્ષ ખુલ્લું પાડ્યું હતું.

અમારી લડાઈ ભાજપ સાથે છે, કોંગ્રેસ વચ્ચે પગ ખેંચવાનું બંધ કરે: પ્રવીણ રામ

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ‘આપ’ના વરિષ્ઠ નેતા પ્રવીણ રામે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટી જનતાના અને વિજપોલના મામલે શાસક પક્ષ ભાજપ સામે સીધી લડાઈ લડી રહી છે. કોંગ્રેસ સાથે અમારી કોઈ લડાઈ જ નથી, પરંતુ કોંગ્રેસ જાણીજોઈને આમ આદમી પાર્ટી પર ખોટા આક્ષેપો લગાવીને પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે અને દોષનો ટોપલો ‘આપ’ પર ઢોળી રહી છે.” ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર સુધી રેલી યોજવાની કોઈ સત્તાવાર મંજૂરી (પરમિશન) લીધી જ નહોતી. જો કોંગ્રેસે આવી કોઈ મંજૂરી માંગી હોય તો તેઓ મીડિયા અને જનતા સમક્ષ તે લેટર રજૂ કરે.

ખેતરમાં સભાની મંજૂરી કેમ લીધી? કોંગ્રેસે શાંતિપુરા સર્કલથી ઓગણજ ટોલટેક્સની બાજુમાં આવેલા એક ખાનગી ખેતરમાં મજૂરી મેળવીને ત્યાં જાહેર સભા કરવાની મંજૂરી લીધી હતી. કોંગ્રેસ નેતાઓ એવું બહાનુ કાઢી રહ્યા છે કે ખેતરમાં માત્ર નાસ્તો કરવાનો જ હોલ્ડ (વિરામ) હતો. જો માત્ર નાસ્તો જ કરવાનો હતો, તો પછી ત્યાં કાયદેસર જાહેર સભા યોજવાની મંજૂરી કેમ લેવામાં આવી હતી. કોંગ્રેસ પોતાની આયોજન વગરની રણનીતિ છુપાવવા માટે ‘આપ’ના નેતા પંકજ રાણસરિયા પર તદ્દન ખોટા અને પાયાવિહોણા આક્ષેપો લગાવી રહી છે.

કોંગ્રેસના નેતાઓએ જ ખેડૂતો સાથે દગો કર્યો: પંકજ રાણસરિયા

પ્રેસ કોન્ફરન્સમાં ‘આપ’ના નેતા પંકજ રાણસરિયાએ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, 14 તારીખે જ રેલી અને સભાની મંજૂરી મળી ગઈ હોવા છતાં, કોંગ્રેસના નેતાઓએ નિર્દોષ ખેડૂતોને અંધારામાં રાખ્યા હતા. તેમણે ખેડૂતોને એ ન જણાવ્યું કે આપણી પાસે ગાંધીનગર સુધી જવાની મંજૂરી જ નથી. પંકજ રાણસરિયાએ વધુમાં ઉમેર્યું કે, “મેં પોતે એક વીડિયો વાઈરલ કરીને અપીલ કરી હતી કે કોંગ્રેસના ઝંડા ઉતારી લો અને આ લડાઈને રાજકીય બનાવવાના બદલે ખેડૂતોના હિતમાં લડો. કોંગ્રેસના જ અમુક નેતાઓ અંદરખાને આ આંદોલન, રેલી અને સભાને તોડવાના સક્રિય પ્રયાસો કરી રહ્યા હતા, જેને અમે પુરાવા સાથે જનતા સમક્ષ ખુલ્લા પાડીશું.”

આગામી રણનીતિ

આમ આદમી પાર્ટીએ મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે, તેઓ જનતાના પ્રશ્નો અને વિજપોલના મુદ્દે ભાજપ સામે પોતાનો વિરોધ પ્રદર્શન અને લડત ચાલુ જ રાખશે. કોંગ્રેસ પક્ષ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આંદોલનકારીઓ અને વિપક્ષી નેતાઓ પર કાદવ ઉછાળવાનું બંધ કરે, નહીંતર કોંગ્રેસના કયા કયા નેતાઓએ કઈ રીતે આ આંદોલનને નબળું પાડ્યું છે તેના તમામ ખુલાસા આગામી દિવસોમાં પુરાવા સાથે જાહેર કરવામાં આવશે.