Gujarat Ni Vaat

અમદાવાદના કાઉન્સેલિંગ રૂમમાં બન્યો ક્રાઈમ સીન! બાળકોના કબ્જાની તકરારમાં પતિએ પત્નીના પગમાં કુહાડી ઝીંકી, આરોપી ફરાર

Share On :

AHEMDABAD NEWS: અમદાવાદના પથ્થરકુવા વિસ્તારમાં આવેલી જાણીતી સામાજિક સંસ્થા ‘જ્યોતિસંઘ’ની ઓફિસમાં કાઉન્સેલિંગની પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. બાળકોની કસ્ટડી મેળવવાની બાબતે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ સંસ્થાની ઓફિસની અંદર જ પોતાની પત્નીના પગ પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ હુમલાખોર પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત અને પારિવારિક વિખવાદ

મળતી માહિતી મુજબ, અસારવા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય દક્ષાબેન રાવળે તેમના પતિ વિજયભાઈ રાવળ સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દક્ષાબેન અને વિજયભાઈ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારે પારિવારિક વિખવાદ ચાલી રહ્યો હતો. પતિના સતત માનસિક-શારીરિક ત્રાસ અને શક વહેમના સ્વભાવથી કંટાળીને દક્ષાબેન છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું ઘર છોડીને અસારવા ખાતે તેમના મિત્ર અજયભાઈ સાથે રહે છે. આ દંપતીને 14 વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રી છે, જેઓ પિતા વિજયભાઈ પાસે રહેતા હતા. પોતાના બાળકોનો કબજો (કસ્ટડી) પાછો મેળવવા માટે દક્ષાબેને ગત 5 મેના રોજ જ્યોતિસંઘ સંસ્થામાં કાનૂની અને સામાજિક મદદ માટે અરજી કરી હતી.

કાઉન્સેલિંગ રૂમમાં જ કુહાડીના ઘા ઝીંક્યા

તારીખ ૧૮ જૂનના રોજ બપોરે આશરે 2.30 વાગ્યાની આસપાસ જ્યોતિસંઘની ઓફિસમાં બંને પક્ષો વચ્ચે બાળકોની કસ્ટડી બાબતે કાઉન્સેલિંગ અને ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમિયાન દક્ષાબેને એક માતા તરીકે બાળકો પર પોતાનો કાનૂની અને નૈતિક હક હોવાનો દાવો કર્યો હતો. આ સાંભળતાની સાથે જ વિજયભાઈ રાવળ ભારે રોષે ભરાયા, આવેશમાં આવી ગયેલો પતિ બહારથી એક તીક્ષ્ણ કુહાડી લઈ આવ્યો હતો. કચેરીમાં અચાનક થયેલી બુમાબુમ અને હોબાળાના કારણે સંસ્થાના કર્મચારીઓ તથા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં દાખલ, પોલીસ તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને જોતા સંસ્થાના સભ્યો દ્વારા તાત્કાલિક ‘108એમ્બ્યુલન્સ’ને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત દક્ષાબેનને તાબડતોબ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ભોગ બનનાર પત્ની દક્ષાબેનની સત્તાવાર ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ફરાર પતિ વિજયભાઈ રાવળ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાની ઓફિસમાં ધોળા દિવસે બનેલી આ હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.