Gujarat Ni Vaat

એકપણ ભૂલ ન થવી જોઈએ! NEET-UG પરીક્ષાને લઈને નાઈટ પેટ્રોલિંગ – ઝેરોક્ષની દુકાનો પર પોલીસની બાઝ નજર સાથે લોખંડી બંદોબસ્ત

Share On :

GUJRAT NEWS: ગુજરાતમાં 21 જૂનના રોજ યોજાનારી NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા તમામ પોલીસ યુનિટોને કડક સૂચનાઓ આપવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં બહુસ્તરીય નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાના અસરકારક સંકલન માટે કાયદો અને વ્યવસ્થા વિભાગના IGP મકરંદ ચૌહાણને ‘સ્ટેટ નોડલ ઓફિસર’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેઓ રાજ્યભરમાં NEET પરીક્ષા સંબંધિત તમામ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા વ્યવસ્થાપન પર સીધી દેખરેખ રાખશે અને જરૂરી માર્ગદર્શન આપશે. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. સાથે જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલી ફોટોકોપી અને ઝેરોક્સ દુકાનો પર પણ કડક દેખરેખ રાખવામાં આવશે, જેથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નિર્ધારિત તમામ નિયમોનું ચુસ્ત પાલન થઈ શકે.

ઉમેદવારોના પ્રવેશ સમયે સઘન પરંતુ સંવેદનશીલ ચેકિંગ વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ માટે અલગ અને યોગ્ય ચેકિંગ સુવિધા રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન, સ્માર્ટવોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સુરક્ષિત સંગ્રહ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વાલીઓ સાથે શિસ્તબદ્ધ અને સૌજન્યપૂર્ણ વર્તન જાળવવા માટે પણ પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે, જેથી સમગ્ર વાતાવરણ શાંતિપૂર્ણ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ IG અને જિલ્લા પોલીસ વડાઓ સાથે પરીક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ, નકલ અથવા કાયદા ભંગની શક્યતાઓને રોકવા માટે કડક અને પૂર્વ તૈયારી આધારિત આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવશે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. સમગ્ર તંત્ર ‘એક્શન મોડ’માં રહીને કામગીરી કરશે.