GUJRAT NEWS: હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આગામી દિવસોની હવામાન આગાહી જાહેર કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં નિયમિત ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. હાલના વાતાવરણને જોતા 17 જૂનથી 23 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ જોવા મળી શકે છે. કેટલીક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસવાની પણ શક્યતા છે. જો કે ભારે વરસાદની કોઈ ચેતવણી હાલ આપવામાં આવી નથી, પરંતુ સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે.
17 જૂનના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં ભેજ અને અસ્થિરતા રહેવાની શક્યતા છે. 18 જૂનના દિવસે મહીસાગર, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે લોકોને અચાનક બદલાતા વાતાવરણ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપી છે.

હાલ રાજ્યમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહી રહી છે. આ પવન પ્રવાહના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમ છતાં નિયમિત અને વ્યાપક ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ હજુ સંપૂર્ણ રીતે વિકસિત થઈ નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે ઉનાળાની ગરમી હજુ યથાવત છે. દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ લોકો માટે અસહજ સ્થિતિ ઉભી કરી રહ્યું છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તર પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય છે, જેના કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતના હવામાન પર અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, વિભાગે લોકોને સલાહ આપી છે કે અચાનક વરસાદી ઝાપટાં અને ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં ન જવું, તેમજ ખેતી સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે હવામાનની તાજી માહિતી પર નજર રાખવી જરૂરી છે. આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા હળવા વરસાદ સિવાય ભારે વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી. રાજ્યમાં તાપમાન અને ભેજના કારણે ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે.




