AHEMDABAD NEWS: અમદાવાદના વાડજ વિસ્તારમાં નોંધાયેલા રાયોટિંગ અને હુમલાના કેસમાં વાડજ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગત તા. 7 જૂનના રોજ વહેલી સવારે ઇન્કમટેક્સ બ્રિજ નીચે બનેલી મારામારીની ઘટનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી જીતેન્દ્ર ભરવાડાના પુત્ર રાજવીર પર કેટલાક શખ્સોએ મળીને હુમલો કર્યો હતો. ઘટનાના દિવસે વહેલી સવારે ઇન્કમટેક્સ બ્રિજ નીચે રાજવીરને રોકી આરોપીઓએ સ્ટીલની પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે માર માર્યો હતો.
હુમલામાં રાજવીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પીડિત પક્ષ દ્વારા વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા, સાહિલ વાઘેલા, મોહિત પરમાર, કરણ ચૌહાણ સહિત અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવીને પૂર્વ આયોજન સાથે હુમલો કર્યો હતો. વાડજ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા, સાહિલ વાઘેલા તેમજ રવિન્દ્ર ઉર્ફે રવિ રાજ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ કેસમાં અગાઉ મોહિત પરમાર અને કરણ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી.

તમામ આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે લગભગ બે મહિના પહેલાં થયેલી માથાકૂટનો બદલો લેવા માટે આરોપીઓએ આ હુમલો કર્યો હતો. જૂની અદાવત અને અંગત વેરઝેરના કારણે આરોપીઓએ રાજવીરને નિશાન બનાવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત યુવકે તેના મિત્રો સાથે મળીને અગાઉ આરોપીઓ પૈકીના એક વ્યક્તિને માર માર્યો હતો, જેનો ખાર રાખીને આ હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપીઓએ રાજવીરની હિલચાલ પર નજર રાખી હતી અને તક મળતા ઇન્કમટેક્સ બ્રિજ નીચે તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ સ્ટીલની પાઇપ અને ધોકા વડે હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.
વાડજ પોલીસે ગુનો નોંધીને ટેક્નિકલ સર્વેલન્સ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે એચ. એમ. કણસાગરા, એસીપી, બી ડિવિઝને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પ્રતિબદ્ધ છે અને આવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે.




