Gujarat Ni Vaat

હત્યા કે આત્મહત્યા: સુરત સીટી લાઈટ મંગલમ સોસાયટીના પહેલા માળેથી પટકાતા કોન્ટ્રાક્ટર મંગેશ સુથારનું શંકાસ્પદ મોત

Share On :

SURAT NEWS: સુરત શહેરના હાઈપ્રોફાઈલ ગણાતા સિટી લાઈટ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં આવેલી મંગલમ સોસાયટીમાં એક મકાનના પહેલા માળેથી નીચે પટકાવાના કારણે ૪૦ વર્ષીય પ્રોઢનું કરુણ અને શંકાસ્પદ મોત નીપજ્યું છે. મૃતક યુવક લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. આ ઘટના અકસ્માત છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તેને લઈને રહસ્ય ઘેરાયું છે. બીજી તરફ, મૃતકના પરિવારે મકાન માલિક દ્વારા આપવામાં આવતા સતત માનસિક દબાણને કારણે આ ઘટના ઘટી હોવાનો ગંભીર આક્ષેપ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ લેબર કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય મંગેશભાઈ સુથાર નામના યુવક સિટી લાઈટની મંગલમ સોસાયટીમાં ચાલી રહેલી એક સાઇટ પર હાજર હતા. તે દરમિયાન અચાનક તેઓ મકાનના પહેલા માળેથી શંકાસ્પદ સંજોગોમાં નીચે પટકાયા હતા. નીચે પડતાં જ તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ ઘટના બાદ મૃતક મંગેશભાઈના પરિવારે મીડિયા અને પોલીસ સમક્ષ મકાન માલિક વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર સિટી લાઈટ મંગલમ સોસાયટીની આ સાઈટ પર મંગેશભાઈ છેલ્લા એક વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરી કોઈ અગમ્ય ટેકનિકલ કે અન્ય કારણોસર મંગેશભાઈ સમયસર કામ પૂરું કરી શક્યા ન હતા, જેના કારણે તેમણે આ સાઇટનું કામ અધવચ્ચેથી બંધ કરી દીધી, પરિવારે સ્પષ્ટ કર્યું છે કે કામ બંધ કર્યા બાદ મંગેશભાઈએ મકાન માલિક પાસેથી લીધેલા તમામ એડવાન્સ કે અન્ય નાણાં નિયમ મુજબ પરત પણ કરી દીધા હતા.

નાણાં પરત આપી દીધા હોવા છતાં, મકાન માલિક દ્વારા મંગેશભાઈ પર આ જ કામ ગમે તેમ કરીને પૂરું કરી આપવા માટે સતત માનસિક દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. મકાન માલિકના આ રોજ-રોજના ટોર્ચરિંગથી મંગેશભાઈ ભારે માનસિક તણાવમાં રહેતા હતા અને આ દબાણ જ તેમની મોતના મૂળમાં હોવાનો પરિવારે દાવો કર્યો છે. ઉમરા પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પરિવારે લગાવેલા ગંભીર આક્ષેપોના આધારે પોલીસે મકાન માલિકની પૂછપરછ કરવાની અને સાઇટ પર હાજર અન્ય શ્રમિકોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સોસાયટીના સીસીટીવ ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.