AHEMDABAD NEWS: વડોદરા જેલમાંથી ગત 8 જૂનના રોજ ફર્લો રજા પર મુક્ત થયેલા ખાડિયાના કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે બહાર આવતાની સાથે જ ફરી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા છે. જેલમુક્તિના બીજા જ દિવસે મર્ડર કેસના મુખ્ય સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવનાર મોન્ટુને પકડવા જ્યારે પોલીસ પહોંચી, ત્યારે પોલીસ પકડમાંથી ભાગવાના પ્રયાસમાં નીચે પટકાતા તેના પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ હતી. નશાની હાલતમાં ઝડપાયેલા આ આરોપી સામે ખાડિયા પોલીસે ધમકી, પ્રોહિબિશન અને મેડિકલ તપાસ દરમિયાન પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ એકસાથે ત્રણ અલગ-અલગ ગુના દાખલ કર્યા છે.
મોન્ટુ નામદારની ફર્લો રજા તાત્કાલિક રદ કરીને તેને ફરી જેલહવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેલમાંથી છૂટ્યાના બીજા જ દિવસે એટલે કે જૂનના રોજ મોન્ટુ નામદારે ખાડિયા વિસ્તારમાં જઈને પોતાના જૂના મર્ડર કેસના ફરિયાદી અને સાક્ષીને કેસ પાછો ખેંચી લેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ જાહેરમાં બીભત્સ વર્તન અને ગાળાગાળી કરી આતંક મચાવ્યો હતો. આ અંગે ભોગ બનનારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ‘112’ નંબર પર કોલ કરીને મદદ માંગી હતી.
માહિતી મળતા જ ખાડિયા પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં આરોપીને દબોચવા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને મોન્ટુ નામદારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાસભાગ દરમિયાન તે નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસે તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતાં સામે આવ્યું કે તે અતિશય નશાની હાલતમાં હતો. આથી ખાડિયા પોલીસે ધમકી આપવા ઉપરાંત તેની સામે પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી) હેઠળ બીજો ગુનો પણ દાખલ કર્યો હતો.
ઇજાગ્રસ્ત આરોપી મોન્ટુ નામદારને આજે ૧૨ જૂનના રોજ જ્યારે પોલીસ કાયદેસરની મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, ત્યારે પણ તેના વલણમાં કોઈ સુધારો આવ્યો નહોતો. તેણે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને જાહેરમાં ધમકીઓ આપી હતી, અપશબ્દો બોલ્યા હતા અને સરકારી કામમાં ભારે રુકાવટ ઊભી કરી હતી. આ ઉદ્ધત વર્તનને પગલે ખાડિયા પોલીસે આજે ૧૨ જૂને તેની સામે પોલીસની ફરજમાં રુકાવટનો ત્રીજો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ પકડમાંથી ભાગવાના પ્રયાસમાં આરોપી મોન્ટુ નામદારને શરીરે ગંભીર ઇજાઓ થઈ છે અને તેના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. મોન્ટુએ જેલ બહાર આવીને જે પ્રકારે સતત ગુના આચર્યા છે, તેને ધ્યાનમાં રાખીને તેની ફર્લો રજા તાત્કાલિક ધોરણે ના મંજૂર (કેન્સલ) કરી દેવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં તેની સારવારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ફરીથી કડક સુરક્ષા વચ્ચે વડોદરા જેલ હવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સમગ્ર મામલે ખાડિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.



