સ્થાનિક સંગઠનો અને વિપક્ષી નેતાઓના મતે, સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, ખંડણી, લૂંટફાટ અને ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક વધારો થયો છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ધીમે ધીમે ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ધર્મેશ ભંડેરીના મતે, આ પરિસ્થિતિ પાછળ પોલીસની નિષ્ક્રિયતા અને રાજકીય ભ્રષ્ટાચાર મુખ્ય કારણ છે.
આજે સ્થિતિ એવી ઉલટી થઈ ગઈ છે કે, જે ગુનેગારો જેલમાં હોવા જોઈએ તેઓ રસ્તા પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જ્યારે બીજી તરફ કાયદાનું પાલન કરતા નિર્દોષ અને સામાન્ય લોકોમાં પોલીસનો ડર સતત વધી રહ્યો છે. સામાન્ય માણસ પોલીસ સ્ટેશને જતા પણ અચકાય છે.આ રાજકીય આક્ષેપબાજી વચ્ચે સુરતની જનતામાં પણ ભારે રોષ અને અસુરક્ષાની લાગણી વ્યાપેલી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ગૃહમંત્રી પાસે કડક પગલાંની માંગ કરી રહ્યા છે. વિપક્ષે આ મામલે તટસ્થ તપાસની અને સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
જો સરકાર ટૂંક સમયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કોઈ નક્કર અને કડક પગલાં નહીં ભરે, તો આગામી દિવસોમાં આ મુદ્દો સમગ્ર રાજ્યમાં મોટું રાજકીય આંદોલન બની શકે છે. સત્તાધારી પક્ષના નેતાની હત્યા એ સરકાર માટે એક વેક-અપ કોલ છે કે હવે ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ વાસ્તવિકતામાં લાગુ કરવાનો સમય આવી ગયો છે.
સરકાર અને પોલીસ પ્રશાસન પર ગંભીર આરોપો લગાવતા આપ નેતાએ જણાવ્યું કે, “આજે પોલીસ અને IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) નો ઉપયોગ ગુનેગારોને પકડવા કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે નથી થઈ રહ્યો, પરંતુ માત્ર અને માત્ર ભાજપની સત્તા સાચવવા અને વિપક્ષના અવાજને દબાવવા માટે થઈ રહ્યો છે.” પોલીસ તંત્ર સત્તાના દુરુપયોગમાં વ્યસ્ત હોવાને કારણે જ આજે સુરતમાં ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જ્યારે બીજી તરફ નિર્દોષ અને સામાન્ય લોકોમાં પોલીસનો ડર સતત વધી રહ્યો છે.



