SURAT NEWS: દેશના ભવિષ્યના આયોજન અને પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તીગણતરી 2026ના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્યની સાથે સુરત ખાતે પણ વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારત સરકાર દ્વારા આ વખતે નાગરિકોની સુવિધા માટે એક વિશેષ ડિજિટલ પહેલ ‘સ્વ-ગણતરી’ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અભિયાનના બીજા જ દિવસે સુરત સ્થિત પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને પોતાના પરિવારની તમામ વિગતો જાતે ભરી હતી અને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપી એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ માધ્યમથી ડેટા સબમિટ કર્યા બાદ ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને આ ડિજિટલ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે એક જાહેર અપીલ કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જનગણનાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, જનગણના–2027 એ માત્ર વસ્તીના આંકડા એકઠા કરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે દેશના ભવિષ્યના વિકાસનો મજબૂત આધાર બનશે. સચોટ જનગણના એટલે સશક્ત ભારતના નિર્માણ તરફનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી માહિતીના આધારે જ સરકાર ભવિષ્યની જનકલ્યાણકારી યોજનાઓનું યોગ્ય રોડમેપ તૈયાર કરે છે.

તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર અને પરિવહન વગેરેનું અસરકારક આયોજન આ આંકડાઓ પર જ નિર્ભર કરે છે. સાચા અને વિશ્વસનીય આંકડાઓ થકી જ સરકારને નીતિનિર્માણમાં સાચી દિશા મળે છે અને સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના વાસ્તવિક લાભો સમાન રીતે પહોંચાડી શકાય છે.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ પરિવારોને અનુરોધ કર્યો હતો કે, તા. 15 મે થી 31 મે દરમિયાન યોજાનારી આ ‘સ્વ-ગણના’ પ્રક્રિયાનો મહત્તમ લાભ ઉઠાવે. હવે નાગરિકોએ સરકારી કર્મચારીઓ ઘરે આવે તેની રાહ જોવાની જરૂર નથી. ડિજિટલ માધ્યમ દ્વારા ખૂબ જ સરળતાથી, કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ઘરે બેઠા પોતાના પરિવારની વિગતો જાતે જ ઓનલાઈન પોર્ટલ પર ભરી શકાય છે. આ આધુનિક ટેક્નોલોજી આધારિત પ્રક્રિયાથી સમયનો બચાવ થશે અને ડેટા એન્ટ્રીમાં થતી ભૂલોની શક્યતા નહિવત થઈ જશે.
સુરત ખાતે આયોજિત આ ડિજિટલ લોન્ચિંગ અને ડેટા સબમિશનના પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, એડિશનલ સિટી સેન્સસ ઓફિસર રાકેશ મોદી તેમજ સંગઠન પ્રદેશ પ્રમુખ પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે આ ડિજિટલ પોર્ટલની કામગીરી અને તેની સુરક્ષા પ્રણાલી અંગે નાયબ મુખ્યમંત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી.



