GUJRAT NEWS: ગુજરાતની આંતરિક સુરક્ષાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા અને વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢીને તેમને પરત મોકલવા (ડિપોર્ટ કરવા) માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. ખાસ કરીને સુરત સહિત રાજ્યના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં શંકાસ્પદ લોકો પર વોચ ગોઠવી દેવામાં આવી છે. દેશની અને રાજ્યની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાની નીતિ સાથે ગૃહ વિભાગ દ્વારા આ કડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારનું સંયુક્ત મેગા ઓપરેશન
ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા તત્વો પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા એક સંયુક્ત સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત તમામ જિલ્લાઓની સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ એજન્સીઓને સક્રિય કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને તેમના દેશમાં પરત મોકલવાની કાયદાકીય પ્રક્રિયા અત્યંત તેજ ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે.

અન્ય નાગરિકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત
રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ભાગરૂપે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યની બહારથી આવીને વસતા અન્ય તમામ નાગરિકો માટે હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
- મકાનમાલિકો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકોએ પોર્ટલ પર પોતાની સાચી ઓળખ નોંધાવવી પડશે.
- રજીસ્ટ્રેશન દરમિયાન જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપશે અથવા દસ્તાવેજો છુપાવશે, તો તેની સામે કાયદાકીય રીતે કડક આકરા પગલાં લેવામાં આવશે અને જેલ ભેગા કરવામાં આવશે.
ડેટાનું થશે ક્રોસ વેરિફિકેશન
ગેરકાયદેસર ઘૂસણખોરો સ્થાનિક સ્તરે ખોટા આઈડી પ્રૂફ ન બનાવી લે તે માટે સરકાર ખૂબ જ સાવચેત છે. ડિજિટલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલી તમામ વિગતો અને નાગરિકોની માહિતીનું પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા ચુસ્તપણે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ કડી મળશે તો તુરંત જ જે-તે વ્યક્તિની અટકાયત કરીને તપાસ શરૂ કરાશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની શાંતિ અને સુરક્ષા સામે ખતરો ઊભો કરનારા તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. પોલીસ પ્રશાસન દ્વારા તમામ જાગૃત નાગરિકો, સોસાયટીના હોદ્દેદારો અને કારખાનાના માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં રહેતા કે કામ કરતા પરપ્રાંતિય કે શંકાસ્પદ લોકોની સાચી માહિતી તંત્રને પૂરી પાડે અને આ રાષ્ટ્રહિતના ઓપરેશનમાં પોલીસને સહકાર આપે.




