WORLD NEWS: વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને આર્થિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ એક અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરીને મોટી ચેતવણી આપી છે. પાંચ દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં તાત્કાલિક સુધારો નહીં થાય તો દુનિયાના કરોડો લોકો ફરીથી ગરીબીની ભયાનક ખાઈમાં ધકેલાઈ જશે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના માહોલ અને ઊર્જા સંકટને કારણે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, જેની વચ્ચે વડાપ્રધાને વિશ્વને આપત્તિઓના દાયકાથી બચવા અને ભારતને વિકાસના નવા વિઝન સાથે આગળ વધારવા આહવાન કર્યું છે.
પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઇરાન પર અમેરિકા-ઇઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, “પહેલા કોરોના વાયરસની મહામારી, ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં યુદ્ધ અને હવે ઊર્જા સંકટ આ ત્રિપુટીએ દુનિયાને આપત્તિઓના દાયકા તરફ ધકેલી દીધી છે. આ સંકટો પર જલ્દી કાબૂ મેળવવો અનિવાર્ય છે.”
વૈશ્વિક ઊર્જા સંકટની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે, જ્યાં 4 વર્ષના લાંબા ગાળા બાદ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવો પડ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ અગાઉ હૈદરાબાદથી દેશવાસીઓને ઇંધણની બચત કરવા, સાર્વજનિક પરિવહનનો વધુ ઉપયોગ કરવા અને વિદેશ યાત્રાઓ મર્યાદિત રાખવા જાહેર અપીલ કરી છે.
વડાપ્રધાને ભારતના વિકાસ મોડલની પ્રશંસા કરતા કહ્યું કે, “આજે ભારતના લોકોની આકાંક્ષાઓ મોટી થઈ છે અને દેશ ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણું આ જ વિઝન લોકશાહીને વધુ મજબૂત બનાવી રહ્યું છે.”
નેધરલેન્ડની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ટેકનોલોજીકલ સહયોગ, સેમિકન્ડક્ટર ઉત્પાદન, ગ્રીન એનર્જી અને વોટર મેનેજમેન્ટ જેવા મહત્વના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવામાં આવી છે, જે આગામી સમયમાં વૈશ્વિક વિકાસ અને રોજગારને નવી ગતિ આપશે.




