WORLD NEWS : દેશમાં સોનાની વધતી આયાત પર લગામ લગાવ્યા બાદ, હવે કેન્દ્ર સરકારે ચાંદીની આયાતને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટું પગલું ભર્યું છે. સરકારે ચાંદીની આયાત પરના નિયમો કડક કરી કેટલાક નવા પ્રતિબંધો લાગુ કરી દીધા છે. એક સત્તાવાર સરકારી આદેશ અનુસાર, હવે ચાંદીની આયાત ‘ફ્રી’ નહીં રહે, પરંતુ તેને ‘રિસ્ટ્રિક્ટેડ’ કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયની સીધી અને મોટી અસર આગામી દિવસોમાં સ્થાનિક જ્વેલરી બજાર અને ચાંદીના ભાવો પર જોવા મળી શકે છે.
નવા નોટિફિકેશન મુજબ, અગાઉ વિદેશોથી ચાંદીની સિલ્વર બાર મંગાવવી ઘણી સરળ હતી કારણ કે તેને ‘ફ્રી’ કેટેગરી હેઠળ રાખવામાં આવી હતી. જોકે, હવે આ નિયમ બદલાઈ ગયો છે. નવી જોગવાઈઓ હેઠળ હવે જો કોઈ વેપારી કે જ્વેલર્સે વિદેશથી ચાંદી મંગાવવી હશે, તો તેમણે સરકાર પાસેથી વિશેષ લાયસન્સ અથવા પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.

સરકારના આ આકરા વલણને કારણે બજારમાં વિદેશી ચાંદીનો પુરવઠો મર્યાદિત થઈ શકે છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આયાત પર અંકુશ આવવાને કારણે આગામી સમયમાં ચાંદીના ભાવોમાં ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીઓ માટે કાચો માલ મેળવવાની પ્રક્રિયા હવે થોડી જટિલ બનશે, જેનાથી સોના-ચાંદી બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે.
સરકારના આ આકરા આદેશની સીધી અને વ્યાપક અસર સ્થાનિક બુલિયન માર્કેટ અને દાગીના ઉદ્યોગ પર જોવા મળશે. બજારમાં વિદેશી ચાંદીનો પુરવઠો મર્યાદિત થવાના કારણે નાના અને મધ્યમ કક્ષાના ઝવેરીઓ માટે કાચો માલ મેળવવાની પ્રક્રિયા જટિલ બનશે અને સમય પણ વધુ લાગશે.
સપ્લાય ચેઈન પ્રભાવિત થવાને કારણે સ્થાનિક બજારમાં ચાંદી સત્તાવાર ભાવો કરતાં વધારાના ‘પ્રીમિયમ’ સાથે વેચાય તેવી પૂરી આશંકા છે, જેના લીધે આગામી દિવસોમાં ચાંદીના ભાવ આસમાને પહોંચી શકે છે અને સામાન્ય ગ્રાહકો માટે ચાંદી ખરીદવી મોંઘી બનશે. જોકે બીજી તરફ, આ નિર્ણયથી દેશમાં ઉપલબ્ધ જૂની ચાંદીના રિસાયકલિંગ વેગ મળશે અને આયાત ઘટવાના કારણે ભારતીય રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી અને સ્થિરતા મળશે.




