UTTAR PRADESH NEWS : ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. કંધરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા એક્સપ્રેસ-વે પર સ્પીડના કારણે એક કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારમાં સવાર તમામ ૫ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત બચાવની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી.
મળતી સત્તાવાર માહિતી અનુસાર, આ ગંભીર અકસ્માત પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના માઈલસ્ટોન ૨૩૮ પાસે વહેલી સવારે સર્જાયો હતો. એક હરિયાણા પાસિંગની સ્વિફ્ટ ડિઝાયર કાર મઉથી લખનઉ તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન માઈલસ્ટોન નજીક પહોંચતા જ કારના ચાલકે અચાનક વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાબૂ બહાર ગયેલી કાર રસ્તાની બાજુમાં સ્થિર ઊભેલા એક વિશાળ કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પતરાની જેમ ચકનાચૂર થઈ ગઈ હતી અને લોખંડના ડબ્બામાં ફેરવાઈ ગઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જો કે, ટક્કર અત્યંત ઘાતક હોવાના કારણે કારમાં સવાર તમામ લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ કંધરાપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ કારના પતરા કાપીને 5 મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરીને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે.
અકસ્માતને કારણે એક્સપ્રેસ-વે પર વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી, જેથી પોલીસે ક્રેનની મદદથી નુકસાનગ્રસ્ત કારના કાટમાળને હટાવીને હાઈવે પર ટ્રાફિક વ્યવહાર ફરીથી પૂર્વવત કરાવ્યો હતો. લાંબા અંતરની મુસાફરી દરમિયાન ડ્રાઈવરને અચાનક ઊંઘ આવી ગઈ હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રબળ આશંકા છે. ઊંઘના કારણે ફૂલ સ્પીડમાં જતી કાર સીધી કન્ટેનર સાથે અથડાઈ ગઈ હતી. હાલ કંધરાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તમામ મૃતકોની ઓળખ તેમજ વધુ તપાસ શરૂ કરી છે.




