Gujarat Ni Vaat

લ્યો બોલો : પત્રકાર બનીને ફરતો અમિત ઠક્કર તો નીકળ્યો બ્લેકમેલર: ડૉક્ટર બાદ હવે બિલ્ડરને નિશાન બનાવતા ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

Share On :

Rajkot News : રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર નિર્માણ પામી રહેલી એક હોસ્પિટલના બાંધકામ મુદ્દે બિલ્ડરને ડરાવી-ધમકાવી લાખો રૂપિયાની ખંડણી માંગતા તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે પત્રકારત્વના વ્યવસાયને બદનામ કરતા ભારત હેડલાઇન્સ અને રાજકોટ લાઈવ ન્યૂઝના સંચાલકો સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકી દ્વારા બિલ્ડર વિજય પાડલિયા પાસેથી કુલ 3.50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

હોસ્પિટલના બાંધકામના ન્યૂઝ છાપવાની ધમકી આપી લાખોની માંગણી

સમગ્ર મામલાની વિગત એવી છે કે, બિલ્ડર વિજય પાડલિયા યુનિવર્સિટી રોડ પર ‘એસીપી’ નામની હોસ્પિટલનું બાંધકામ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટને નિશાન બનાવીને ભારત હેડલાઇન્સ અખબારના સંચાલક અમિત ઠક્કર અને રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ આચાર્યએ નકારાત્મક સમાચાર પ્રસિદ્ધ ન કરવાના બદલામાં નાણાંની માંગણી કરી હતી. અમિત ઠક્કરે 3 લાખ રૂપિયા અને ભાર્ગવ આચાર્યએ 50 હજાર રૂપિયાની ઉઘરાણી કરી બિલ્ડર પર દબાણ વધાર્યું હતું. આ નાણાં લેવા માટે આવેલ અન્ય એક આરોપી યોગીરાજસિંહ રાઠોડની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

મુખ્ય આરોપી અમિત ઠક્કરનો ગુનાહિત ભૂતકાળ અને ન્યૂડ વીડિયો બ્લેકમેલિંગનો કેસ

ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર અમિત ઠક્કર અગાઉ પણ અનેક વિવાદાસ્પદ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અમિત ઠક્કર વિરુદ્ધ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં તેણે એક ડૉક્ટરનો ન્યૂડ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કર્યા હતા. આવા રીઢા ગુનેગારો પત્રકારત્વના લાયસન્સના જોરે નિર્દોષ લોકોને ડરાવતા હોવાનું સામે આવતા પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે.

ખંડણીખોરોના લાયસન્સ રદ કરવા PRGI ને પત્ર લખવાની પોલીસની તૈયારી

ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જે તત્વો પત્રકારત્વના નામે લોકો પાસેથી પૈસા પડાવે છે તેમને છોડવામાં આવશે નહીં. પોલીસ હવે આ કેસમાં કાયદાકીય પાસાઓ મજબૂત કરવા માટે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (PRGI) ને પત્ર લખવાની પ્રક્રિયા કરી રહી છે. આ પત્ર દ્વારા આરોપીઓના અખબારના રજિસ્ટ્રેશન અને લાયસન્સ રદ કરવાની માંગ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેઓ પત્રકારત્વની આડમાં કોઈને પરેશાન ન કરી શકે. રાજકોટ પોલીસ દ્વારા હાલમાં પત્રકારત્વના ઓઠા હેઠળ ચાલતા આવા ખંડણીખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાને ડરમુક્ત કરવાનો છે.