Gujarat Ni Vaat

જૂઠાણાના બજાર હવે બંધ કરો…કરાંચી બ્લાસ્ટ પર ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબ

Share On :

Karachi Blast news :પાકિસ્તાનના કરાંચીમાં સૈન્ય કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાન સરકારના આક્ષેપોને ભારતે સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદીઓને પાળનારો અને પોષનારો દેશ ભારત જેવા જવાબદાર રાષ્ટ્ર પર આંગળી ઉઠાવવાનું બંધ કરે. પાકિસ્તાને બીજા પર ખોટા આક્ષેપો કરવાના બદલે આતંકવાદને પોતાની સરકારી નીતિનો ભાગ બનાવવાની આદત છોડવી જોઈએ.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના તમામ આરોપોને સદંતર પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “પાકિસ્તાને પોતાની આંતરિક નિષ્ફળતાઓ છુપાવવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે ભારત પર આંગળી ચીંધવાની જૂની આદત ફરી દોહરાવી છે. પાકિસ્તાને બીજા દેશો પર કાદવ ઉછાળવાને બદલે પોતાની ધરતી પર મુક્તપણે ફરી રહેલા અને ચાલી રહેલા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક અને નક્કર કાર્યવાહી કરવી જોઈએ.”નોંધનીય છે કે, 27 જૂનના રોજ પાકિસ્તાનના કરાંચી શહેરના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારમાં આવેલા ‘પાકિસ્તાન રેન્જર્સ’ના હેડક્વાર્ટર નજીક આતંકવાદીઓએ જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરોએ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પાસે ત્રણ ભયંકર શક્તિશાળી બ્લાસ્ટ કરીને અંદર ઘૂસવાનો આત્મઘાતી પ્રયાસ કર્યો હતો, જેને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ ભીષણ અથડામણમાં પાકિસ્તાની સેનાના ૩ જવાનો અને ૩ આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ૪ જવાનો ઘાયલ થયા છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ એક આતંકવાદીને જીવતો પકડ્યો છે, જે પ્રાથમિક તપાસમાં અફઘાનિસ્તાનનો નાગરિક હોવાનું સામે આવ્યું છે.

હુમલા બાદ પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે આ હુમલા પાછળ ‘જમાત-ઉલ-અહરાર’ નામના આતંકી સંગઠનનો હાથ છે અને આ સંગઠનની કડીઓ ભારત સાથે જોડાયેલી છે. જો કે, પકડાયેલો આતંકવાદી અફઘાની નાગરિક નીકળતા અને પાકિસ્તાનની પોતાની જ ધરતી આતંકવાદનું કેન્દ્ર હોવાના કારણે તેનો આ ભારત વિરોધી પ્રોપેગન્ડા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લો પડી ગયો છે. ભારતે ફરી એકવાર સ્પષ્ટ સૂચના આપી છે કે પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનું અને આતંકીઓને આશ્રય આપવાનું બંધ કરે.