RAJKOT NEWS: આગામી રાજકીય વ્યૂહરચના અને સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી પણ રાજકોટ ખાતે હાજર રહ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસના ગુજરાતના સહ-પ્રભારીઓ અને પ્રદેશના વરિષ્ઠ આગેવાનોએ હાજરી આપીને આગામી રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
રામ મંદિરમાં ચોરી અંગે મુકુલ વાસનિકની આકરી પ્રતિક્રિયા
બેઠક દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા AICC ના મહામંત્રી મુકુલ વાસનિકે અયોધ્યા રામ મંદિરમાં થયેલી ચોરીની ઘટના અંગે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મુકુલ વાસનિકે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “જ્યારે રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાનો બધો જ શ્રેય વડાપ્રધાને પોતે લીધો હતો, તો હવે મંદિરમાં થયેલી ચોરીનો શ્રેય પણ તેમણે પોતે જ લેવો જોઈએ.” તેમણે મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
સુરતની પૂરની સ્થિતિ અંગે અમિત ચાવડાનો ભાજપ પર પ્રહાર
બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની ભયાનક સ્થિતિને લઈને સત્તાધારી ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સુરતમાં આજે કરોડો રૂપિયાની જનતાની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતની આ દુર્દશા માટે ભાજપની ભ્રષ્ટાચારી નીતિ અને નબળું પ્રી-મોન્સૂન પ્લાનિંગ જ સંપૂર્ણપણે જવાબદાર છે.
ચોમાસા પહેલા કરાતી કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો, ધારાસભ્યો અને અગ્રણી કાર્યકરો સાથે સંગઠનના અદના કાર્યકર સુધી પહોંચવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી દિવસોમાં આક્રમક આંદોલનો કરવાની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.




