Gujarat Ni Vaat

એક જ અઠવાડિયામાં એમ્બરગ્રીસ તસ્કરીનો બીજો કિસ્સો: અમદાવાદ-ભાવનગર હાઈવે પરથી ₹1.10 કરોડના “તરતાં સોના” સાથે યુવકની ધરપકડ

Share On :

DHOLERA NEWS: ગુજરાતમાં વન્યજીવ અને પ્રતિબંધિત પદાર્થોની તસ્કરી કરતા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને એક બહુ મોટી સફળતા મળી છે. SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-ભાવનગર હાઇવે પર આવેલા પીપળી ગામ નજીકથી એક શખ્સની કરોડો રૂપિયાની કિંમતના પ્રતિબંધિત એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલ્ટી) ના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસે પકડેલા આરોપીની ઓળખ મેહુલ ચૌહાણ તરીકે થઈ છે. તેની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ₹1.1 કરોડની કિંમત ધરાવતું 1.10 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે.

કમિશનની લાલચમાં સ્મગલિંગ: ભાવનગર કનેક્શન ખુલ્યું

પકડાયેલા આરોપી મેહુલ ચૌહાણની પ્રાથમિક પૂછપરછમાં આ નેટવર્કનું ભાવનગર કનેક્શન સામે આવ્યું છે. આરોપીએ કબૂલાત કરી છે કે આ પ્રતિબંધિત જથ્થો તેને ભાવનગરના રહેવાસી પવન અને પ્રવીણ કોળીએ આપ્યો હતો. પવન અને પ્રવીણે મેહુલને આ જથ્થો આગળ વેચવા માટે મોટી રકમની કમિશનની લાલચ આપી હતી. કમિશન મેળવવાની લાલચમાં તે આ કિંમતી જથ્થાની હેરાફેરી કરી રહ્યો હતો ત્યારે જ હાઈવે પર SMCની નજરે ચડી ગયો હતો.

એક જ અઠવાડિયામાં તસ્કરીનો બીજો કિસ્સો: વિદ્યાર્થીઓ પણ સંડોવાયેલા

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં એમ્બરગ્રીસની તસ્કરીનું નેટવર્ક ખૂબ જ સક્રિય હોવાનું બહાર આવ્યું છે, કારણ કે એક જ અઠવાડિયામાં એમ્બરગ્રીસની તસ્કરીનો આ બીજો મોટો બનાવ સામે આવ્યો છે. આ અગાઉના ઓપરેશનમાં અમદાવાદના ત્રણ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ પણ એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યા છે. આ આખી સિન્ડિકેટ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એમ્બરગ્રીસ મેળવીને મોટા શહેરોમાં સપ્લાય કરતી હોવાની આશંકા છે.

શું છે એમ્બરગ્રીસ અને કેમ છે આટલું મોંઘું?

એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાંથી નીકળતો એક પદાર્થ છે, જેને સામાન્ય ભાષામાં ‘વ્હેલની ઊલ્ટી’ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયામાં હોય છે. તેનો મુખ્ય ઉપયોગ વિશ્વના સૌથી મોંઘા પરફ્યુમ (સુગંધિત અત્તર) અને સુગંધિત તેલોની સુવાસને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ‘ફિક્સેટિવ’ તરીકે થાય છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ તેનું વેચાણ અને હેરાફેરી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને સજાપાત્ર ગુનો છે.

ધોલેરા પોલીસે તપાસ તેજ કરી

આ સફળ ઓપરેશન બાદ SMC દ્વારા પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલેરા પોલીસને સોંપવામાં આવ્યો છે. ધોલેરા પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર એવા ભાવનગરના પવન અને પ્રવીણ કોળીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આ નેટવર્કના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.