AHEMDABAD NEWS: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વટવા પોલીસ સ્ટેશને ત્વરિત અને સઘન કાર્યવાહી કરીને નવજાત બાળકીને રૂપિયા 1 લાખમાં વેચી દેવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ શરમજનક ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને માસૂમ બાળકીને હેમખેમ બચાવી લેવામાં મોટી સફળતા મેળવી છે.
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો વટવા પોલીસ મથકે નોંધાયેલી એક સત્તાવાર ફરિયાદ બાદ પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદી માતાએ તાજેતરમાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ ફરિયાદી મહિલાની એક ઓળખીતી મહિલાએ તેમનો સંપર્ક કર્યો હતો અને લાલચ આપી હતી કે, “જો તમે આ બાળકી મને આપો, તો હું તેને ખૂબ જ સારા અને સુખી ઘરમાં ઉછેર માટે મોકલી આપીશ, જ્યાં તેનો સારો ઉછેર થશે.”
ઓળખીતી મહિલાની વાતોમાં આવીને માતાએ બાળકી તેને સોંપી દીધી હતી. જો કે, થોડા સમય બાદ જ્યારે માતાની મમતા જાગી અને તેણે પોતાની બાળકી પરત માંગી, ત્યારે આ કાવતરાખોર ટોળકીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. આરોપીઓએ બાળકી પરત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે તેમણે બાળકીને અન્ય જગ્યાએ વેચી દીધી છે. આ સાથે જ આરોપીઓએ બાળકીના બદલામાં માતાને રૂપિયા ૧ લાખ લઈ લેવા માટે દબાણ કર્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીનો સોદો થઈ ગયો હોવાનું જાણીને સ્તબ્ધ થયેલી માતાએ તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા.
બાળકીના વેચાણ જેવી ગંભીર ઘટનાની કટોકટી સમજીને વટવા પોલીસે તાબડતોબ ગુનો નોંધી જુદી-જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સહિત ખરીદનાર મહિલાને પણ દબોચી લીધી હતી.વટવા પોલીસે ચારેય આરોપીઓની કડક પૂછપરછ કરીને ખરીદનાર મહિલા પાસેથી નવજાત બાળકીને સંપૂર્ણપણે સુરક્ષિત અને હેમખેમ પરત મેળવી લીધી છે. બાળકીને તબીબી ચકાસણી અર્થે મોકલીને આગળની કાયદાકીય કસ્ટડી સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ હાલમાં એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, શું આ ટોળકી અગાઉ પણ આવા કોઈ નવજાત બાળકોના ખરીદ-વેચાણના નેટવર્કમાં સામેલ છે કે કેમ? આ રેકેટ પાછળ અન્ય કોઈ હોસ્પિટલ કે એજન્ટોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે આગળની કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




