RAJKOT NEWS: રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ શાપર-વેરાવળ પોલીસ ટીમ દ્વારા ગત તારીખ 25 જૂન, 2026ના રોજ શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાંથી મળી આવેલ અજાણી વ્યક્તિની લાશના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે. પ્રથમ દ્રષ્ટિએ મહિલાની લાગતી લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગંભીર ગુનાનો પર્દાફાશ કરી આરોપી પિયુષ કશ્યપની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમ અને સંબંધોની શોધ કરનારા નાગરિકો માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન સાબિત થયો છે.

ગત તારીખ 25 જૂન, 2026ના રોજ શાપર-વેરાવળ પોલીસને માહિતી મળી હતી કે એક અવાવરૂ જગ્યાએ શંકાસ્પદ હાલતમાં એક મહિલાની લાશ પડી છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના શરીર પર મહિલાના વસ્ત્રો અને મેકઅપ હોવાને કારણે પ્રાથમિક તબક્કે તેને મહિલાની લાશ માનવામાં આવી હતી. જો કે, પોલીસે જ્યારે લાશને પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. તબીબી પરીક્ષણ દરમિયાન બહાર આવ્યું કે, મૃતક વાસ્તવમાં કોઈ મહિલા નથી પરંતુ મહિલાના વસ્ત્રો ધારણ કરેલો એક પુરુષ છે. આ ખુલાસા બાદ પોલીસની તપાસની દિશા બદલાઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાપર-વેરાવળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના તેમજ હાઈવે પરના અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ યુવકની હિલચાલ નજરે પડી હતી. ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે બિહાર મૂળના અને હાલ શાપર વિસ્તારમાં રહેતા પિયુષ કશ્યપ નામના યુવકની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની કડક પૂછપરછ સામે આરોપી પિયુષ ભાંગી પડ્યો હતો અને તેણે જ આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

ચંદનકુમારે પોતાની ઓળખ એક સુંદર મહિલા તરીકે આપી પિયુષને પ્રેમની જાળમાં ફસાવ્યો હતો. આ પ્રેમ એટલો આગળ વધ્યો કે બંનેએ હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્નપણ કરી લીધા હતા. લગ્ન બાદ જ્યારે બંને પ્રથમ રાત્રે સાથે આવ્યા, ત્યારે પિયુષ સામે ચોંકાવનારો સત્યપ્રકાશ થયો કે, જેને તે પોતાની પત્ની માની રહ્યો છે તે કોઈ મહિલા નથી પરંતુ પુરુષ છે. આ છેતરપિંડીથી આઘાત પામેલા પિયુષે તાત્કાલિક ચંદનકુમાર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને તેનાથી દૂર થઈ ગયો હતો.
સંબંધો તૂટી ગયા હોવા છતાં, ચંદનકુમાર પિયુષનો પીછો છોડવા તૈયાર નહોતો. ચંદનકુમાર સતત પિયુષને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે સમલૈંગિક સંબંધો ચાલુ રાખવા માટે દબાણ કરતો હતો. જો પિયુષ સંબંધ ન રાખે તો તે સમાજમાં અને પરિવારમાં પિયુષને બદનામ કરવાની ધમકીઓ આપતો હતો. “છેલ્લા દોઢ વર્ષથી ચંદનકુમાર દ્વારા આપવામાં આવતી સતત માનસિક યાતના, આર્થિક નુકસાન અને સામાજિક બદનામીના ડરથી કંટાળીને આખરે પિયુષે ચંદનકુમારનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. તક મળતા જ તેણે ચંદનકુમારની ઘાતકી હત્યા કરી લાશને ફેંકી દીધી હતી.”




