RAJKOT NEWS: રાજકોટ શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારા અને જાગૃત કરનારા સમાચાર સામે આવ્યા છે. કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલી અને શુદ્ધતાના દાવા કરતી શહેરની અતિ પ્રખ્યાત ‘પ્રેમવતી રેસ્ટોરન્ટ’ માંથી ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને વાસી અને દુર્ગંધ મારતી સેન્ડવીચ પીરસવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ખાણીપીણીની ગુણવત્તા અને બ્રાન્ડ નેમ પાછળ છુપાયેલા તંત્રના પાપ છતાં થયા છે.
જાણીતી બ્રાન્ડના નામે વાસી ખોરાક પીરસવાનું પાપ
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિક પોતાના પરિવાર સાથે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા હતા. તેમણે પોતાના નાના દીકરા માટે સેન્ડવીચ ઓર્ડર કરી હતી. જો કે, સેન્ડવીચ ટેબલ પર આવતાની સાથે જ તેમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. બ્રેડ અને અંદર ભરેલો મસાલો સડી ગયો હોવાનું સ્પષ્ટ જણાતું હતું. આ જોઈને ગ્રાહકનો પિત્તો ગયો હતો. પોતાના સંતાનના સ્વાસ્થ્યને જોખમમાં મુકાતું જોઈ ગ્રાહકે તુરંત જ રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવી આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
મેનેજરની લૂલી બચાવબાજી: આ સુગંધ નથી, દુર્ગંધ છે!
આશ્ચર્યની વાત તો એ છે કે, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પ્રેમવતી રેસ્ટોરન્ટના મેનેજરે અત્યંત બિનજવાબદારીપૂર્વકનો લૂલો બચાવ કર્યો હતો. મેનેજરે ગ્રાહકને શાંત પાડવા એવું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું કે, “આ કોઈ વાસી ખોરાકની દુર્ગંધ નથી, પણ અંદર નાખવામાં આવેલા ટમેટાની સુગંધ છે!” મેનેજરની આ દલીલ સાંભળીને ગ્રાહક વધુ ઉશ્કેરાયો હતો અને સામે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “આ સુગંધ નથી, પણ સડી ગયેલા ખોરાકની દુર્ગંધ છે. ગ્રાહકોને મૂરખ બનાવવાનું બંધ કરો.”વીડિયો ઉતારનાર જાગૃત પિતાએ ભારે આક્રોશ સાથે મેનેજરની સામે સવાલ ફેંક્યો હતો કે, “આ વાસી ખોરાક ખાઈને જો મારો માસૂમ દીકરો બીમાર પડે, તેને ફૂડ પોઇઝનિંગસોશિયલ મીડિયામાં ભારે આક્રોશ, બહિષ્કારની માંગ
હાલમાં આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. રાજકોટની જનતામાં જાણીતી બ્રાન્ડ્સ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, બ્રાન્ડના નામે મોંઘા ભાવ વસૂલતી આવી હોટેલો લોકોના જીવ સાથે રમી રહી છે. નેટીઝન્સ દ્વારા પ્રેમવતી રેસ્ટોરન્ટના બહિષ્કારની અને તંત્ર દ્વારા તેના પર કાયદાકીય હથોડો વીંઝવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.




