AMRELI NEWS: અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદી આપત્તિની આ સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે અને તમામ તાલુકાના અધિકારીઓ સાથે સંકલન સાધીને પરિસ્થિતિ પર પળેપળની નજર રાખવામાં આવી રહી છે.
આ આપત્તિજનક પરિસ્થિતિ અંગે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સર્જાયેલી વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ અને એલર્ટ છે. નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ભારે વરસાદના કારણે જ્યાં પણ પાણી ભરાયા હતા કે નાગરિકો ફસાયા હતા, ત્યાં વિવિધ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તંત્ર ખડેપગે છે.
ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે જિલ્લાના જે આંતરિક અને મુખ્ય માર્ગો પ્રભાવિત થયા હતા, ત્યાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટરે ખાતરી આપી છે કે મોટાભાગના માર્ગો પર યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે અને સાંજ સુધીમાં તમામ બંધ માર્ગો વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, વરસાદના કારણે જ્યાં પણ વીજ પોલ ધરાશાયી થયા છે કે ટેકનિકલ ખામી સર્જાઈ છે, ત્યાં વીજ વિભાગની અનેક ટીમો ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત કરી દેવાઈ છે.
જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, ત્યાં આજ રાત સુધીમાં બાકી રહેલો તમામ વીજ પુરવઠો પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલીના તમામ નાગરિકોને રેડ એલર્ટ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળા કે કોઝવે પસાર ન કરવા અને તંત્ર દ્વારા અપાતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.




