AYODHYA NEWS: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનની ચોરીના ચકચારી કેસમાં વિશેષ તપાસ ટીમ (SIT) એ એક મોટી સફળતા મેળવી છે. બે દિવસ સુધી અયોધ્યામાં ધામા નાખીને ઝીણવટભરી તપાસ ચલાવી રહેલી SITના હાથે દાનની ચોરીના ગાયબ થયેલા રેકોર્ડ્સ અને મહત્વના પુરાવા લાગ્યા છે. ડિજિટલ ફોરેન્સિક અને વિશેષ સોફ્ટવેરની મદદથી ટેકનિકલ ટીમે ડિલીટ કરવામાં આવેલા CCTV ફૂટેજ સફળતાપૂર્વક રિકવર કરી લીધા છે. આ રિકવર કરાયેલા ફૂટેજમાં શ્રદ્ધા અને આસ્થાને શર્મસાર કરનારી કરતૂતો સામે આવી છે, જેમાં કેટલાક શખ્સો દાનની નોટોની ગડ્ડીઓ પોતાના ખિસ્સા અને મોજામાં સંતાડતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દ્રશ્યો જોઈને ઉચ્ચ તપાસ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે.
હાઈ-ઝૂમ રિઝોલ્યુશનથી ચહેરા ઓળખવાના પ્રયાસો
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓ ચઢાવાની રકમ સગેવગે કરવા માટે જાણીજોઈને CCTV કેમેરા સામે એવી રીતે ઊભા રહેતા હતા જેથી તેમનો ચહેરો કેમેરામાં કેદ ન થાય. અગાઉ મળેલા ફૂટેજમાં આવા અનેક ‘બ્લાઈન્ડ સ્પોટ્સ’ જોવા મળ્યા હતા, જેને આધારે ડિલીટ કરાયેલા ડેટાને રિકવર કરવાની યોજના ઘડાઈ હતી. હાલ રિકવર થયેલા ફૂટેજમાં ચહેરા ધૂંધળા હોવાથી SIT દ્વારા હાઈ-ઝૂમ રિઝોલ્યુશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપીઓની ઓળખ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ સાથે જ CCTV સર્વેલન્સની જવાબદારી સંભાળતા મુખ્ય સભ્યોની કડક પૂછપરછ કરવામાં આવી છે અને બેદરકાર અધિકારીઓને ફિટકાર લગાવાઈ છે.
L&T સહિતની નિર્માણ એજન્સીઓના એન્જિનિયરો સકંજામાં
આ મામલો માત્ર સામાન્ય ચોરીનો છે કે પછી કોઈ સુનિયોજિત કાવતરું, તેની તપાસ કરી રહેલી SITના લપેટામાં હવે મંદિરની નિર્માણ એજન્સીઓ પણ આવી ગઈ છે. તપાસના બીજા દિવસે બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપની એલએન્ડટી અને સુપરવિઝન એજન્સીના એન્જિનિયરોને તેડું મોકલીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન TEC તરફથી એન્જિનિયર જગદીશ આફલે અને ગિરીશ સહસ્ત્ર ભોજની તેમજ L&Tના એન્જિનિયરો હાજર રહ્યા હતા. SITએ બાંધકામને લગતા મહત્વના દસ્તાવેજો અને રેકોર્ડ્સ જપ્ત કરીને તેની ચકાસણી શરૂ કરી છે.
જમીન સોદા અને બેન્ક ટ્રાન્ઝેક્શન્સ પર પણ ચાંપતી નજર
SITના ઉચ્ચ અધિકારીઓ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા માટે હાલ લખનઉ હેડક્વાર્ટર પરત ફર્યા છે અને તેઓ આગામી સોમવારે ફરી અયોધ્યા પહોંચશે. જોકે, ટેકનિકલ સ્ટાફ અને મહેસૂલ ટીમ હજુ પણ સ્થળ પર હાજર છે, પૂછપરછ દરમિયાન એક બેન્ક અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, નોટો ગણવાની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ એટલા સાધારણ અને સીધા લાગતા હતા કે કોઈને તેમના પર ક્યારેય શંકા ન જાય. તેઓ રૂમની અંદર નિયમોનું ચુસ્ત પાલન કરવાનો ઢોંગ કરતા હતા અને વરિષ્ઠોના પગે લાગીને વિશ્વાસ જીતતા હતા. આ જ ગાફેલિયતનો લાભ ઉઠાવીને કેમેરા બંધ હોવાની આડમાં આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.




