Gujarat Ni Vaat

વાપીના કરવડમાં ભીષણ આગ, ચાર ભંગારના ગોડાઉન આગમાં થયા ખાખ!

Share On :

VAPI NEWS: ઔદ્યોગિક નગરી વાપીના કરવડ વિસ્તારમાં આજે શુક્રવારે સવારે એક કાળજું કંપાવનારી આગની ઘટના સામે આવી છે. વાપી મહાનગરપાલિકાની હદમાં આવેલા કરવડ વિસ્તારના એક ભંગારના ગોડાઉનમાં સવારના સમયે અચાનક જ કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિક અને ભંગારના જથ્થાના કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય ત્રણ ગોડાઉનો પણ આ આગની ચપેટમાં આવી ગયા હતા. એકસાથે ચાર ગોડાઉનો સળગી ઉઠતા સ્થાનિક વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

આગ એટલી ભયાનક હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાતા હતા, જેને પગલે આજુબાજુની સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાપી મનપા ફાયર બ્રિગેડ અને નોટિફાઇડ વિભાગના ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. લશ્કરોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ લગભગ ૪ કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા દોડી આવી હતી.

અત્રે એ નોંધવું જરૂરી છે કે વાપી મનપા વિસ્તારમાં આવેલા આવા ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રહેણાંક વિસ્તારોની નજીક ચાલતા આ ગોડાઉનોના કારણે સ્થાનિક પર્યાવરણ ઝેરી બની રહ્યું છે અને લોકોના જીવ સામે પણ મોટું જોખમ ઊભું થયું છે. ગોડાઉનોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ પણ આ મોટી દુર્ઘટનાઓ પાછળ જવાબદાર હોવાનું મનાય છે.

આ ઘટનાને પગલે વાપી મહાનગરપાલિકાની નબળી વહીવટી કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ મનપા દ્વારા મોટા ઉપાડે ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો સીલ કરવા અને દૂર કરવાનું આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી કોઈ અગમ્ય કારણોસર અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી