Gujarat Ni Vaat

વિદેશ જવાની ઘેલછા નડી! લંડનના એજન્ટે વલસાડના મહિલા પ્રોફેસર પાસેથી ₹34 લાખ ચાંઉ કર્યા!

Share On :

VALSAD NEWS: વલસાડ જિલ્લાના સરકારી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા મૂળ ગાંધીનગરના એક મહિલાને યુનાઇટેડ કિંગડમ (યુકે) વર્ક વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે લંડન સ્થિત એજન્ટ ધવલ ગડાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી નીભાબેન અરવિંદભાઈ ઠાકોર (ઉંમર 45 વર્ષ), મૂળ ગાંધીનગરના અને હાલ વલસાડ સરકારી પોલિટેકનિકમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2024 દરમિયાન તેમને વિદેશ જવાની ઈચ્છા હોવાથી તેઓ પોતાના મિત્ર મારફતે કેટલાક એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ યુ.કે. સ્થિત વારાહી ગ્રુપના ધવલ ગડાણી સાથે સંપર્ક સ્થાપિત થયો હતો, જેણે વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી હતી.

ફરિયાદ મુજબ, એજન્ટે વોટ્સએપ ગ્રુપ બનાવીને વિઝા પ્રક્રિયા માટે કુલ રૂ. 50 લાખની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. પ્રોફાઇલ રિવ્યુ, ડોક્યુમેન્ટ પ્રોસેસિંગ તથા અન્ય ફી તરીકે અલગ-અલગ તબક્કે પૈસા ટ્રાન્સફર કરવા જણાવવામાં આવ્યું હતું. આ મુજબ ફરિયાદી તથા તેમના મિત્ર દ્વારા કુલ રૂ. 35,02,125 અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા. આ રકમમાંથી મોટા ભાગના નાણા લંડન સ્થિત રિવોલ્યુટ લિમિટેડના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પૈસા મેળવ્યા બાદ એજન્ટે વિઝા પ્રક્રિયામાં વિલંબ થવાનું કારણ આપી વારંવાર સમય પસાર કર્યો હતો. બાદમાં સ્પોન્સર લેટરમાં ભૂલ હોવાનું કહીને પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, લાંબા સમય સુધી કોઈ વિઝા કે સ્પષ્ટ જવાબ ન મળતાં ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા. ત્યારબાદ એજન્ટ દ્વારા આશ્વાસન આપીને માત્ર રૂ. 62,528 જ પરત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીની રૂ. 34,39,597 રકમ પરત કરવામાં આવી નહોતી. પૈસા પરત ન મળતાં અને છેતરપિંડીની શંકા મજબૂત થતાં આખરે ફરિયાદીએ સંબંધિત એજન્ટ ધવલ ગડાણી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ટ્રાન્ઝેક્શન, ડિજિટલ સંપર્કો તથા બેંકિંગ વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવશે. આ સાથે વિદેશી એજન્ટની ભૂમિકા અને નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ઘટનાએ વિદેશ જવાની પ્રક્રિયામાં એજન્ટો પર વિશ્વાસ રાખતા નાગરિકો માટે ચેતવણીરૂપ સ્થિતિ ઊભી કરી છે. પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા અને માન્ય માધ્યમોથી જ વિઝા પ્રક્રિયા કરાવવા અપીલ કરવામાં આવી છે.