SURENDRANAGAR NEWS: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ગામની સરકારી શાળામાંથી માસૂમ બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકો માટે બનાવવામાં આવતા ભોજનમાં જીવાતવાળા ચોખાનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જોકે, આ ઘટના મીડિયા અને વહીવટી તંત્રના ધ્યાને આવતા જ સરકારી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, નારણપુરા ગામની શાળામાં જ્યારે મધ્યાહન ભોજનની રસોઈ બનાવવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે અનાજની બોરીઓ ખોલતા જ તેમાં મોટા પ્રમાણમાં જીવતી જીવાતો અને ઈયળો ધમધમતી જોવા મળી હતી. અત્યંત દયનિય અને ગંદી હાલતમાં રહેલા આ જ જીવાતવાળા અનાજ (ચોખા) માંથી બાળકો માટેનું ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ દ્રશ્યો જોઈને ગ્રામજનો અને વાલીઓમાં વહીવટી તંત્રની બેદરકારી સામે સખત આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ ગંભીર લાપરવાહી સામે આવતા જ વાલીઓએ શાળા પ્રશાસન અને મધ્યાહન ભોજનના સંચાલકોનો ઘેરાવો કર્યો હતો. વાલીઓએ આક્રોશપૂર્વક સવાલ ઉઠાવ્યો હતો કે, “આવું સડેલું અને જીવાતવાળું અનાજ ખાઈને જો અમારા માસૂમ બાળકો બીમાર પડશે કે તેમને ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર સમસ્યા થશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?”
નારણપુરા શાળાનો આ વીડિયો અને ઘટનાની ગંભીરતા ઉચ્ચ કક્ષાએ પહોંચતા જ પાટડી તાલુકા અને જિલ્લાના સંબંધિત અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. તંત્ર દ્વારા ઘટનાસ્થળે ટીમ મોકલીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ કિસ્સા બાદ પાટડી તાલુકાની તમામ શાળાઓમાં મધ્યાહન ભોજનના અનાજની ગુણવત્તા ચકાસવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે. તંત્રએ ખાતરી આપી છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ જવાબદાર વ્યક્તિ કે કર્મચારીને છોડવામાં આવશે નહીં અને ભવિષ્યમાં માત્ર શુદ્ધ અને પૌષ્ટિક આહાર જ બાળકોને મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.




