SURENDRANAGAR NEWS: ગુજરાત હાઇકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના ગુનામાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજીને આકરા વલણ સાથે નકારી કાઢી છે. પૂર્વ કલેક્ટર સામે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિન-ખેતીમાં ફેરવવા માટે લાંચનું એક આખું ચોક્કસ માળખું અને ફિક્સ રેટ નક્કી કરીને ભ્રષ્ટાચાર આચરવાનો ગંભીર આક્ષેપ છે.
લાંચની ટકાવારીનું ફિક્સ માળખું: કલેક્ટરનો 50% હિસ્સો
ED અને એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેરકાયદેસર લાંચની કુલ રકમમાંથી 50 ટકા જેટલો સિંહફાળો સીધો કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો, જ્યારે 25 ટકા હિસ્સો નિવાસી અધિક કલેક્ટરને અને બાકીનો 25 ટકા હિસ્સો અન્ય સંડોવાયેલા સ્ટાફ વચ્ચે વહેંચાતો હતો. અરજદારના કાર્યકાળ દરમિયાન કલેક્ટર કચેરીમાં આવી કુલ ૫૦૧ CLU અરજીઓ પ્રક્રિયા હેઠળ લાવવામાં આવી હતી. આ આખા કૌભાંડમાં ગુનાની કુલ કમાણી ₹7.14 કરોડ આંકવામાં આવી છે, જેમાંથી પૂર્વ કલેક્ટરનો 50 ટકા હિસ્સો આશરે 3 કરોડથી વધુ થવા જાય છે. આ કાળી કમાણી પત્નીના નામે સ્થાવર મિલકતો અને સોના-દાગીના ખરીદવામાં રોકવામાં આવી હોવાનું EDની તપાસમાં ખુલ્યું છે.
મોબાઇલમાં 800 ફાઇલોના ફોટા અને ‘હાઉ ટુ રીસેટ’નું સર્ચ
કોર્ટમાં સુનાવણી દરમિયાન ED તરફથી કડક દલીલો કરતા સ્પષ્ટ કરાયું હતું કે, રાજેન્દ્ર પટેલ કલેક્ટર તરીકે ઓફિસના સર્વોચ્ચ વડા હતા અને આ મની લોન્ડરિંગ રેકેટના મુખ્ય સૂત્રધાર છે. તેમના પર્સનલ મોબાઈલમાંથી CLU ફાઈલોના 800 જેટલા ફોટા મળી આવ્યા છે, જેના દ્વારા તેઓ લાંચના વહીવટ પર નજર રાખતા હતા. વધુમાં, EDના દરોડાના આગલા જ દિવસે અરજદારે ડિજિટલ પુરાવાનો નાશ કરવાના બદઇરાદાથી ગુગલ પર “how to reset Samsung S24 Ultra” સર્ચ કર્યું હતું, જે તેમનું શંકાસ્પદ વર્તન અને ગુનાહિત માનસિકતા દર્શાવે છે.
હાઈકોર્ટનું કડક વલણ: ભ્રષ્ટાચાર લોકશાહીના પાયાને નુકસાન કરે છે
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર સામે PMLAની કલમ 45 હેઠળની બેવડી શરતો સંતોષાતી નથી અને પ્રથમ દ્રષ્ટિએ અરજદાર નિર્દોષ હોય તેવું માનવાને કોઈ વ્યાજબી કારણ નથી. કોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું કે, ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ દેશના અર્થતંત્ર તેમજ લોકશાહીના પાયાને ભારે નુકસાન પહોંચાડે છે.
અરજદારે વહીવટી વડા તરીકે પ્રામાણિકતાથી કામ કરવાને બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું હતું. વળી, સર્ચ એન્જિન પર ફોન રીસેટ કરવાનું સર્ચ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ આવે છે, જેથી સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવના નકારી શકાય નહીં. તેમની તબીબી સ્થિતિ પણ કોઈ જીવલેણ બીમારી ધરાવતી નથી અને જેલની અંદર તેની સારવાર શક્ય છે. આ તમામ ગંભીર પાસાઓને ધ્યાને રાખીને હાઇકોર્ટે પૂર્વ કેલક્ટરની જામીન અરજી સરેઆમ નકારી કાઢી હતી.




