SABARKANTHA NEWS: સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો સહિત સામાન્ય નાગરિકો ભારે ચિંતા અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. ખાસ કરીને વિજયનગર વિસ્તારમાં લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં આજે બપોરે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબી રાહ જોયા બાદ બપોરના સમયે વિજયનગર પંથકમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ: સર્વત્ર જળબંબાકાર
મેઘરાજાએ વિજયનગર પર એવું રૌદ્ર પણ હેતાળ સ્વરૂપ દેખાડ્યું કે માત્ર બે કલાકના ટૂંકા સમયગાળામાં જ સાડા ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો હતો. અચાનક તૂટી પડેલા આ ધોધમાર વરસાદના કારણે વિજયનગરના નીચાણવાળા વિસ્તારો, માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક નદી-નાળાઓ અને વોંકળાઓમાં નવા નીરની આવક થઈ હતી. જોકે, આ વરસાદના કારણે વાતાવરણમાં સખત ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.
ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પણ ધીમીધારે મેઘમહેર
સાબરકાંઠા જિલ્લામાં માત્ર વિજયનગર જ નહીં, પરંતુ આસપાસના અન્ય તાલુકાઓ જેવા કે ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પણ મેઘમહેર જોવા મળી હતી. આ વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં અને સાર્વત્રિક વરસાદ નોંધાયો, લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી જિલ્લાના ખેડૂતોના ચહેરા પર અનોખી રોનક જોવા મળી રહી છે. આ વરસાદ વાવણી લાયક અને પ્રી-મોન્સૂન બાદ પાકને નવું જીવન આપનારો સાબિત થશે, જેથી કૃષિ જગતમાં ભારે આનંદની લહેર વ્યાપી ગઈ છે.




