Gujarat Ni Vaat

“અમે તારા બાપ-દાદા છીએ…” રાજકોટમાં મનપાના કર્મચારી સાથે નેતાની ખુલ્લેઆમ ગેરવર્તણૂક, વીડિયો વાઈરલ

Share On :

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના એક સામાન્ય કર્મચારીને સત્તાધારી પક્ષના નેતા દ્વારા જાહેરમાં ધમકાવવામાં આવતો હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વોર્ડ નંબર 8 અને 13 ની બોર્ડર પર આવેલા માણી ચોક વિસ્તારમાં ડ્રેનેજ અને લાઇન રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જિલ્લા ભાજપના એક પદાધિકારી ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે ઓન-ડ્યુટી કર્મચારી સાથે અત્યંત અશોભનીય વર્તન કરીને પોતાની રાજકીય વગનો દુરુપયોગ શરૂ કર્યો હતો. ભાજપના આ આગેવાને કર્મચારી પર રોફ જમાવતા કહ્યું કે, “તું મને ઓળખે છે? તું સમજી લે અમે તારા બાપુજી છીએ એટલે તને કહીએ છીએ, અમે દાદાઓ છીએ, હમજી રાખજે.” આ પ્રકારની ભાષા સાંભળીને હાજર સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કર્મચારીએ પોતાની મર્યાદામાં રહીને સામો જવાબ આપતા કહ્યું કે, “તમે બાપુજીની વાત ના કરો, મારા બાપ સિવાય મારો કોઈ બાપ નથી. તમે દાદા હશો તો તમારા ઘરે, અહીંયા તમારી દાદાગીરી ના દેખાડતા.” કર્મચારીના આ રોકડા જવાબથી ઉશ્કેરાયેલા નેતાએ તેને સીધી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી દીધી હતી. આગેવાને ગર્જના કરતા કહ્યું કે, “તને અહીંયા નોકરી કરવા જેવો રહેવા દઉં તો જોજે, તારી નોકરી…” જેની સામે કર્મચારીએ પણ નીડરતાથી જણાવ્યું કે, કોઈ તેની નોકરી આંચકી શકે નહીં કારણ કે તે મફતમાં કામ નથી કરતો અને જનતાની સેવા કરે છે.

આ સમગ્ર વિવાદ ગેસ લાઇન લીકેજ અને ફાયર બ્રિગેડને જાણ કરવા બાબતે વકર્યો હતો. ઘટનાસ્થળે ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી ગઈ હતી, જેથી ગેસ કંપનીના માણસોએ તાત્કાલિક લાઇન બંધ કરી દીધી હતી. જોકે, ભાજપના નેતા સતત એ જ વાત પર અડી રહ્યા હતા કે આ અંગે ફાયર બ્રિગેડને 1 કલાક સુધી કેમ જાણ કરવામાં ન આવી? કર્મચારી વારંવાર સમજાવતો રહ્યો કે ગેસ લાઇન બંધ થઈ ગઈ હોવાથી હવે ફાયર બ્રિગેડનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ સત્તાના નશામાં અંધ બનેલા આગેવાન તેની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ સરકારી કર્મચારીઓ અને જનતામાં ભાજપ નેતાની આવી ગુંડાગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.