Gujarat News : ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓ અને સબ-કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદને સંપૂર્ણપણે રદ કરી દીધી છે. આ કેસ હાઈવે પરના ખાડાના કારણે સર્જાયેલા અકસ્માત અને તેમાં એક મહિલાના કરુણ મોત સાથે જોડાયેલો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે રેકોર્ડ પર એવો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી કે જે દર્શાવે કે અરજદારો દ્વારા કોઈ ઈરાદાપૂર્વકની ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી હોય. અકસ્માત પાછળ કોઈ ગુનાહિત ઈરાદો સાબિત ન થતો હોવાથી કોર્ટે આરોપીઓ સામેની કાનૂની કાર્યવાહીને પડતી મૂકવાનો આદેશ આપ્યો છે, જેનાથી સરકારી તંત્ર અને સંબંધિત એજન્સીઓને મોટી રાહત મળી છે.
ડિસેમ્બર 2021માં બનેલી અકસ્માતની કરુણ ઘટના
આ સમગ્ર વિવાદની શરૂઆત ડિસેમ્બર 2021માં પાટણ જિલ્લાના વારાહી પોલીસ મથકે નોંધાયેલી એક એફઆઈઆરથી થઈ હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદી પોતાની 54 વર્ષીય પત્ની સાથે મોટરસાયકલ પર સવાર થઈને સમીથી વારાહી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ સિદ્ધપુરા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની બાઈકની આગળ એક મોટો ટ્રક જઈ રહ્યો હતો. રસ્તા પર અચાનક એક મોટો ખાડો આવ્યો જે ટ્રક પસાર થઈ જવાથી ફરિયાદી સમયસર જોઈ શક્યા નહીં. પરિણામે તેમની બાઈક સીધી ખાડામાં પટકાઈ હતી, જેમાં પાછળ બેઠેલા તેમના પત્ની રોડ પર ફેંકાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વારાહી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પતિએ આક્ષેપ કર્યો હતો કે NHAIની ઘોર બેદરકારી અને ખાડો ન પુરાવવાના કારણે તેમની પત્નીએ જીવ ગુમાવવો પડ્યો છે.
હાઈકોર્ટના દ્વાર ખખડાવતા અધિકારીઓ અને સબ-કોન્ટ્રાક્ટર
આ અકસ્માત બાદ સ્થાનિક પોલીસ દ્વારા NHAIના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 304A એટલે કે બેદરકારીથી મોતના ગુના અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સબ-કોન્ટ્રાક્ટરની ધરપકડ પણ થઈ ચૂકી હતી. આ એફઆઈઆરથી બચવા માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર, પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ પાલનપુરના ડેપ્યુટી મેનેજર, પ્રોજેક્ટ ઇન્ચાર્જ તેમજ સબ-કોન્ટ્રાક્ટર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કમનસીબ દુર્ઘટનામાં તેમનો સીધો કોઈ વાંક કે ગુનાહિત ઈરાદો નહોતો. હાઈકોર્ટે શરૂઆતના તબક્કે જ આરોપીઓ સામે કોઈ નકારાત્મક કે કડક પગલાં ન લેવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો અને શરત રાખી હતી કે તમામ અધિકારીઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.
કાનૂની રક્ષણ અને કોન્ટ્રાક્ટની શરતોની મહત્વની દલીલો
અદાલત સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારોના વકીલ દ્વારા કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ટેકનિકલ અને કાનૂની દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે રોડના રીપેરીંગ અને મેન્ટેનન્સની સીધી જવાબદારી મુખ્ય કોન્ટ્રાક્ટરની નહીં પરંતુ સબ-કોન્ટ્રાક્ટરની બને છે. વધુમાં, મુખ્ય કોન્ટ્રાક્ટરનો રોડ બનાવ્યા પછીનો 6 મહિનાનો ગેરંટી પિરિયડ પણ અકસ્માત પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યો હતો. વળી, અકસ્માતની પરિસ્થિતિ જોતા ફરિયાદીનું વાહન એક મોટા ટ્રકની બિલકુલ પાછળ હોવાથી રોડ પરનો ખાડો સમયસર દ્રશ્યમાન થયો નહોતો, જે એક આકસ્મિક સંજોગ હતો. સૌથી મોટી કાનૂની દલીલ એ હતી કે NHAI ના અધિકારીઓને NHAI એક્ટ 1988ની કલમ 28 હેઠળ સત્તાવાર ફરજ બજાવવા બદલ ખાસ કાનૂની રક્ષણ પ્રાપ્ત થયેલું છે. હાઈવેની જાળવણી માટે નિયમ મુજબ કાયદેસરનો કરાર થયેલો હતો અને સુપ્રીમ કોર્ટના અગાઉના વિવિધ ચુકાદાઓ મુજબ જ્યાં સુધી ઈરાદાપૂર્વકની ગુનાહિત બેદરકારી સાબિત ન થાય ત્યાં સુધી આવા કેસ ચલાવી શકાય નહીં. હાઈકોર્ટે આ તમામ કાનૂની પાસાઓ અને પુરાવાઓનો અભ્યાસ કરીને આખરે તમામ આરોપીઓ વિરૂદ્ધની એફઆઈઆર રદ કરવાનો ન્યાયિક આદેશ આપ્યો છે.




