Jamnagar News : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના હાડમતિયા ક્લસ્ટર હેઠળ આવેલી પસાયા તાલુકા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રમોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ કરાવીને આ ઐતિહાસિક ‘શાળા પ્રવેશોત્સવ’ની શરૂઆત કરાવી હતી. આ પ્રવેશોત્સવ આજે પણ સમગ્ર રાજ્યમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ ભગીરથ પ્રયાસોના પરિણામે જ રાજ્યમાં જે ડ્રોપ આઉટ રેશિયો અગાઉ 18 થી 20 ટકા જેટલો ઊંચો હતો, તે આજે ઘટીને માત્ર 1 પોઇન્ટ સમથિંગ જેટલો જ રહી ગયો છે. આ એક રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ જ મોટી ક્રાંતિ છે, જેના કારણે આજે 100 ટકા નામાંકન શક્ય બન્યું છે અને જન્મેલા 100 એ 100 ટકા બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.

ગામડાઓમાં મંત્રીઓ અને અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિ
હાલમાં સમગ્ર ગુજરાતના તમામ ગામડાઓની અંદર ક્લાસ-1 અધિકારી, ક્લાસ-2 અધિકારી, તમામ મંત્રી, ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામડે-ગામડે દરેક શાળાની મુલાકાત લઈને ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી કરી રહ્યા છે. ‘શાળા પ્રવેશોત્સવ’ એ દરેક બાળક માટે જીવનની ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે બાળકની કારકિર્દીની શરૂઆત અહીંયાથી જ થાય છે અને તેના જ્ઞાનનું પરબ પણ આ પવિત્ર સ્થાનેથી જ ખૂલે છે. જ્યારે આખા ગામની સાક્ષીમાં કોઈ નાનું બાળક ઉચ્ચ અધિકારીઓ, નામાંકિત મહાનુભાવો અને ગામના સરપંચની પ્રત્યક્ષ હાજરીમાં શાળામાં પ્રવેશ લે છે, ત્યારે ચોક્કસપણે તે દિવસ બાળકના જીવનનો એક યાદગાર દિવસ બની જાય છે.

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત જે રીતે ભારતભરમાં નંબર વન બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે, તે જ રીતે શિક્ષણ, જ્ઞાન અને શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં પણ ગુજરાત હંમેશા નંબર વન રહેશે. આપણી સંસ્કૃતિ, સામાજિક રીત-રિવાજો અને સમરસતા દુનિયાને સ્પર્શે તેવી રીતે વધુને વધુ સુદ્રઢ બને તેવા ઉમદા હેતુ સાથે જ આજનો આ ‘શાળા પ્રવેશ’ કાર્યક્રમ અહીંયા સંપન્ન કરવામાં આવ્યો છે.

નવા પ્રવેશીત બાળકોને શૈક્ષણિક કીટ આપી કરાયું સ્વાગત
આ ભવ્ય મહોત્સવ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડીમાં નવો પ્રવેશ મેળવનાર 7 બાળકો, બાલવાટિકાના 25 બાળકો અને ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર 12 બાળકો મળીને કુલ 44 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરીને ઉત્સાહભેર શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ તકે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિ
પસાયા તાલુકા શાળાના આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનોદ ભંડેરી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ગ્રામ પંચાયતના સરપંચ ભાનુબેન, અગ્રણી કુમારપાળસિંહ રાણા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય શૈલેષ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્ય છગન, સીઆરસી કોર્ડિનેટરો, મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો, શાળાના ઉત્સાહી શિક્ષકો અને વહાલા વિદ્યાર્થીઓએ સાથે મળીને આ મહોત્સવને સફળ બનાવ્યો હતો.




