UNA NEWS: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાલુકામાં થઈ રહેલા અતિભારે વરસાદ પરિણામે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગત અડધી રાત્રે ઉના તાલુકાના સુલતાનપુર અને સામતેર ગામના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરના પાણી ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. બંને ગામોમાં ઘરોની અંદર પાણી ભરાઈ જવાના કારણે કુલ 8 લોકો જીવના જોખમે ફસાયા હતા. જોકે, સ્થાનિક વહીવટી તંત્ર અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમે ભારે જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે.

સુલતાનપુર ગામે મધ્યરાત્રિએ રેસ્ક્યૂ ઓપરેશન
ભારે વરસાદના કારણે ઉનાના સુલતાનપુર ગામના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અડધી રાત્રે એક ઘરની અંદર પાણી ભરાઈ જતાં એક જ પરિવારના 4 સભ્યો ત્યાં ફસાઈ ગયા હોવાની માહિતી સ્થાનિક વહીવટી તંત્રને મળી હતી. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તાત્કાલિક ધોરણે ઉના મામલતદાર કચેરીનો સ્ટાફ અને SDRFની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અંધારા અને પાણીના પ્રવાહ વચ્ચે સંયુક્ત ઓપરેશન ચલાવી ઘરમાં ફસાયેલા ચારેય વ્યક્તિઓનું હેમખેમ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
સામતેર ગામે પણ કુદરતનો પ્રકોપ, વધુ 4 જીવ બચાવાયા
આવી જ કટોકટીભરી સ્થિતિ ઉનાના સામતેર ગામે પણ સર્જાઈ હતી. અહીં પણ રાત્રિના સમયે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ભરાવાના કારણે વધુ 4 લોકો ફસાયા હોવાના સમાચાર મળતા જ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. SDRF અને સ્થાનિક વહીવટી તંત્રના જવાનોએ પૂરના પાણીમાં ઉતરીને સામતેર ગામેથી પણ ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી નવું જીવન આપ્યું હતું.

સુલતાનપુર પ્રાથમિક શાળા ખાતે આશ્રય અને સુવિધા
બંને ગામોમાંથી રેસ્ક્યૂ કરાયેલા તમામ 8 લોકોને તાત્કાલિક ધોરણે સુલતાનપુર ગામની પ્રાથમિક શાળા ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. પ્રશાસન દ્વારા આ પૂર પ્રભાવિત નાગરિકો માટે શાળામાં જ રહેવાની, જમવાની તેમજ સૂવાની તમામ સુવિધાઓ યુદ્ધના ધોરણે પૂરી પાડવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર અને SDRF સતર્ક
જિલ્લામાં ચાલી રહેલા અતિવૃષ્ટિના માહોલને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઇડલાઇન મુજબ, SDRF ની ટીમ અને સ્થાનિક તંત્ર સતતમાં રહીને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.




