Gir Somnath News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લો ભારે વરસાદની ઝપટે ચડ્યો છે. 4 જુલાઈ, 2026ની રાત્રિ ગીર સોમનાથના રહીશો માટે આફત લઈને આવી હતી, કારણ કે અતિભારે વરસાદના પગલે સમગ્ર જિલ્લાની નદીઓ અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ જતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગાંગડા ગામમાં નદીનો પાળો તૂટતાં જળબંબોળની સ્થિતિ અને SDRFનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
ભારે વરસાદના કારણે ગીર સોમનાથના ગાંગડા ગામે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. રાત્રિના આશરે 1 વાગ્યે ગામની નજીકથી પસાર થતી રૂપેણ નદીનો પાળો અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે નદીના ધસમસતા પૂરના પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી ઘૂસી ગયા હતા. જોતજોતામાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આશરે 250 જેટલા લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, સ્થાનિક પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને પાણીમાં ફસાયેલા તમામ 250 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ લોકોને ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપાસિતારામ આશ્રમ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો, જેમાંથી 115 જેટલા લોકોને તંત્ર દ્વારા રહેવા, જમવા તેમજ સૂવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.
ઉનાના સામતેર ગામમાં મધ્યરાત્રિએ પૂરના પાણી ભરાતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા
આવી જ વિકટ પરિસ્થિતિ ઉના તાલુકાના સામતેર ગામમાં પણ જોવા મળી હતી, જ્યાં મધ્યરાત્રિએ અતિભારે વરસાદના કારણે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે 4 વ્યક્તિઓ જીવના જોખમે ત્યાં ફસાઈ ગયા હતા. આ બાબતની માહિતી મળતા જ વહીવટી તંત્ર અને SDRFની ટીમે અંધારી રાતે જ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ આ 4 વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આ તમામ આશ્રિતોને સુલતાનપુરની પ્રાથમિક શાળામાં શિફ્ટ કરીને તેમના માટે રહેવા તથા સૂવાની તમામ વહીવટી સગવડો તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવી હતી જેથી તેમને આ આપત્તિના સમયે કોઈ તકલીફ ન પડે.
સૈયદ રાજપરાના દરિયામાં બોટો તણાઈ, કોસ્ટગાર્ડ દ્વારા 4 માછીમારોનો દિલધડક બચાવ
વરસાદની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર વેગથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેના લીધે સમુદ્રમાં ભારે કરંટ અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ પ્રતિકૂળ હવામાનના કારણે ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદર ખાતે લાંગરેલી 5 થી 6 મોટી બોટ અને 2-3 નાની હોડીઓ દરિયાના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ તણાયેલી બોટો પૈકીની એક બોટમાં 4 માછીમારો સવાર હોવાના સમાચાર મળતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. માછીમારોના જીવ બચાવવા માટે કોસ્ટગાર્ડના બહાદુર જવાનો તાત્કાલિક સૈયદ રાજપરાથી દરિયામાં રવાના થયા હતા. કોસ્ટગાર્ડની ટીમે નવાબંદરના દરિયા કિનારે ભારે મોજાની વચ્ચે સાહસિક ઓપરેશન હાથ ધરીને કમલેશ જીલુભાઈ બારૈયા, નરશી બચુભાઈ બાંભણીયા, રવજી બાબુભાઈ શિયાળ તેમજ રામજી બાબુભાઈ શિયાળનું સલામત રીતે રેસ્ક્યૂ કરીને આ ચારેય માછીમારોને મોતના મુખમાંથી ઉગારી લીધા હતા.




