GIR SOMNATH NEWS: ગુજરાતના સ્વાદ રસિકો અને કેરીના શોખીનો માટે ચાલુ ઉનાળાની સિઝનના સૌથી આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર વિશ્વમાં જેની સુગંધ અને સ્વાદનો ડંકો વાગે છે તેવી ગીર પંથકની જગવિખ્યાત ‘કેસર કેરી’ની સિઝન આ વર્ષે સાનુકૂળ હવામાનને કારણે લંબાઈ ગઈ છે.આ વર્ષે જૂન મહિનાના બીજા અઠવાડિયા સુધી ધમધમતી રહે તેવા ઉજળા સંજોગો ઊભા થયા છે. બજારમાં કેરીની આવક બમણી થઈ જતાં ભાવોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનો સીધો ફાયદો સામાન્ય અને મધ્યમ વર્ગના ગ્રાહકોને મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કટોકટી જેવા વાતાવરણ, કમોસમી વરસાદ (માવઠું) અને તૌકતે જેવા વાવાઝોડાના કારણે ગીરના આંબાના બગીચાઓને વ્યાપક નુકસાન થતું હતું.
જેના કારણે કેરીની સિઝન ટૂંકી રહેતી હતી અને ભાવો સામાન્ય માણસની પહોંચ બહાર જતા રહેતા હતા. જો કે, આ વર્ષે કુદરતે ગીરના ધરતીપુત્રો અને સ્વાદ રસિકો પર સવિશેષ મહેરબાની કરી છે. ચાલુ વર્ષે કેરીની સિઝન દરમિયાન ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કોઈ મોટો વાવાઝોડાનો ખતરો કે કમોસમી વરસાદ ખાબક્યો નથી. પવનની ગતિ મર્યાદિત રહેવાને કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડવાનું પ્રમાણ નહિવત રહ્યું હતું. આ ઉપરાંત, રાત્રિના સમયે ગુલાબી ઠંડી અને દિવસ દરમિયાન સાનુકૂળ ગરમી મળવાને કારણે આંબા પર લાગેલો મોર (ફ્લાવરિંગ) સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યો હતો અને ફળ પાકવાની પ્રક્રિયા ખૂબ જ કુદરતી અને ઉત્તમ રહી છે.

હવામાન અનુકૂળ રહેવાના કારણે ગીર પંથકના મુખ્ય ગણાતા તાલાલા, જૂનાગઢ, મેંદરડા, ઉના અને કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં અણધાર્યો અને ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. એશિયાના સૌથી મોટા કેસર કેરીના માર્કેટ ગણાતા તાલાલા યાર્ડમાં દરરોજ હજારો બોક્સની આવક થઈ રહી છે.ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે માર્કેટમાં દૈનિક આવક બમણી નોંધાઈ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, પુરવઠો (સપ્લાય) મજબૂત હોવાને કારણે શરૂઆતની સિઝનમાં ર.1000 થી 1,500 પ્રતિ બોક્સ વેચાતી ગુણવત્તાયુક્ત કેસર કેરીના ભાવ હવે ઘટીને રૂ.400 થી 700આસપાસ પહોંચી ગયા છે.
ભાવો મધ્યમ સ્તરે સ્થિર થતાં ગ્રાહકો હવે છૂટા હાથે અને મન ભરીને કેરીની ખરીદી કરી રહ્યા છે, જેનાથી બજારોમાં પણ ભારે રોનક જોવા મળી રહી છે. બીજી તરફ, ખેડૂતોને પણ શરૂઆતમાં ભલે નીચા ભાવ મળ્યા હોય, પરંતુ પાક ઉતારવાનો સમયગાળો લાંબો ચાલતા અને કેરીનો ઉતારો બમણો મળતા, તેમનું કુલ વળતર સરભર થઈ ગયું છે. ગીરના પ્રગતિશીલ ખેડૂતો આ હવામાનથી અત્યંત ખુશ છે. આગામી દિવસોમાં જ્યાં સુધી ચોમાસાનો વિધિવત પ્રારંભ ન થાય, ત્યાં સુધી ગીરની અસલ કેસર કેરીનો સ્વાદ બજારમાં બહાલ રહેશે. સ્વાદ રસિકો માટે આ સીઝન કોઈ ઉત્સવથી કમ નથી, કારણ કે આટલી સસ્તી અને મધમીઠી કેસર કેરી વર્ષો પછી ખાવા મળી રહી છે.




