CHHOTA UDAYPUR NEWS: ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું નિધન થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમની વિદાય સાથે જ ગુજરાતના રાજકીય ઇતિહાસનું એક ગૌરવશાળી પ્રકરણ આથમ્યું છે. મોહનસિંહ રાઠવા પોતાના સરળ સ્વભાવ, પ્રજાલક્ષી કાર્યો અને અનોખી રાજકીય શૈલી માટે હંમેશા યાદ રહેશે.
10 વખત ધારાસભ્ય બનવાનો ઐતિહાસિક રેકોર્ડ
મોહનસિંહ રાઠવા ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય ધારાસભ્ય રહેનારા નેતાઓ પૈકીના એક હતા. તેઓ રેકોર્ડબ્રેક 10 વખત વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેમણે ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ પ્રશંસનીય સેવાઓ આપી હતી. પ્રજા વચ્ચે સતત જીવંત સંપર્ક રાખવાની તેમની ક્ષમતાને કારણે જ તેઓ દાયકાઓ સુધી લોકોના દિલ પર રાજ કરતા રહ્યા.
‘શુકનનો સિક્કો’ આપવાની અનોખી પરંપરા
લોકનેતા મોહનસિંહ રાઠવા માત્ર રાજકારણી નહોતા, પણ જનતા સાથે પારિવારિક સંબંધો નિભાવનારા અગ્રેસર હતા. તેમણે વર્ષ 1972માં દિવાળી અને નૂતન વર્ષના મંગલ પર્વે પોતાના મતદારોને ‘શુકનનો સિક્કો’ આપવાની એક અનોખી અને લાગણીસભર પરંપરા શરૂ કરી હતી. આ અનોખી પરંપરા પાછળથી તેમના પરિવાર દ્વારા પણ આગળ ધપાવવામાં આવી હતી, જે તેમના અને પ્રજા વચ્ચેના અતૂટ વિશ્વાસનું પ્રતીક બની રહી.
રાજકીય સફરનો અંતિમ તબક્કો
પોતાની ભવ્ય રાજકીય સફરના અંતિમ પડાવમાં, નવેમ્બર 2022 દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે પોતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને રાજકારણમાં આગળ કરી પ્રજાસેવાનો વારસો સોંપ્યો હતો.મોહનસિંહ રાઠવાના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો અને વિવિધ પક્ષના રાજકીય નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.




